• શુક્રવાર, 27 માર્ચ, 2026

નખત્રાણા તા.માં બાંધકામ વધતાં શ્રમિકોની અછત

નખત્રાણા, તા. 26 : વર્તમાન સમયે ખેતીવાડીમાં રવીપાક જેવા કે ઘઉં, રાયડો, ઇસબગુલ લાંબાગાળાના ગત ચોમાસા પૂર્વે વાવેતર કરાયેલા એરંડા, કપાસ સહિતની જણસીઓના લણણીના સમયમાં વાડી-ખેતરોમાં કામ કરતા ખેડૂત, શ્રમિકોથી સીમાડા ગાજી ઊઠયા છે. કોરોના મહામારીના સમયે પંથકના શહેરી વિસ્તારો રાજ્ય, આંતરરાજ્યમાં સ્થાયી થયેલા પરિવારોએ  વેઠેલી યાતનાઓ તથા આર્થિક રીતે ભાંગી પડેલા એવા લોકો માદરે વતન તરફ પરત ઢળતા થયા છે, જ્યારે શહેરી વિસ્તારમાં આર્થિક રીતે સુખી પરિવારના ધરતીનો છેડો ઘર સમજી વસવાટની રીતે સ્વાવલંબી બનવા પોતાના ગામ -વતનમાં બિલ્ડિંગ-બંગલા -મકાનો બનાવવાનાં કામે લાગ્યા છે, જેના કારણે શ્રમિકોની માંગ વધી છે, જ્યારે વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લોકોની પાયાની સુવિધાઓ રસ્તા, પુલ, શૈક્ષણિક સંકુલો, આરોગ્ય કેન્દ્ર, કોમ્યુનિટી હોલ જેવા અનેક મકાનોના ચાલતાં બાંધકામો માટે શ્રમિકોની માંગનાં કારણે શ્રમિક કામદારોની અછત વર્તાય છે તેવું ખેડૂતોનું કહેવું છે. આવી પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટર, ખેડૂતોને આંતર રાજ્યમાંથી શ્રમિકોને લાવવા પડે છે. શ્રમિકોની અધિક માંગના કારણે દરરોજના મજૂરીના દર 500થી 600, જ્યારે બાંધકામ કારીગર કડિયા કામના રૂા. 1000થી 1500 સુધી ચૂકવવા પડે છે તેવી રાવ ઊઠી હતી. દુર્ગમ કચ્છમાં છેલ્લા દોઢેક દાયકાથી કુદરતની મહેરથી ચોમાસામાં સારો વરાદ થતાં મોસમના પાકો, બાગાયતી ખેતીમાં વૃદ્ધિ, સરકારની ઉદારનીતિથી ધરતીપુત્રો તથા પશુપાલન કરતા માલધારીઓને આર્થિક પ્રોત્સાહનથી ખેતી, પશુપાલન આધારિત ધંધાદારી વર્ગ પણ આર્થિક રીતે સુખી છે. બીજી તરફ લોકઉપયોગી વિકાસકામોમાં નિર્માણ માટે સરકાર દ્વારા અબજો-કરોડો રૂપિયાના થતા હરણફાળ કામોથી જનજીવનની આર્થિક સ્થિતિમાં સુધારથી ખુશીનો માહોલ જોવા મળે છે. શહેરની કમાણી ગામડાંમાં સમાણી જેવી પરિસ્થિતિમાં દેશ-પરદેશ સ્થાયી વિવિધ સમાજોમાં મુખ્યત્વે કડવા પાટીદાર સમાજનો મોટો વર્ગ  આંતર રાજ્યોમાં ટિમ્બર, પ્લાયવૂડ, ખેતીકામથી આર્થિક રીતે સમૃદ્ધ સમાજ માદરે વતનમાં રહેણાક માટે મકાનોનો મોટાપાયે ડેવલોપ કરતાં હોવાથી નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો આર્થિક રીતે ચેતનવંતા બન્યા છે. વિશેષ કડવા પાટીદાર સમાજના પરિવારો પોતાના સંતાનોના લગ્નપ્રસંગો પણ વતનમાં કરતા હોવાથી ગામડાં-શહેરી વિસ્તારોને પ્રોત્સાહન મળે છે તેવી વિગતો બહાર આવી હતી. 

Panchang

dd