ભારત-બાંગલાદેશ વચ્ચેના ટાઢાબોળ સંબંધોમાં ઉષ્માનો સંચાર થયો
છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના બાંગલાદેશી સમકક્ષ તારિક રહેમાને ઈદ-ઉલ-ફિત્ર
નિમિત્તે લખેલા પત્રમાં ભારત સાથે સુદૃઢ સંબંધોની ઇચ્છા વ્યક્ત કરી છે. ઈદ નિમિત્તે
વડાપ્રધાન મોદીએ રહેમાન અને બાંગલાદેશના લોકોને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો, જેના જવાબમાં રહેમાને પત્ર લખ્યો હતો. આ પહેલાં
પણ રહેમાને ફેબ્રુઆરી મહિનામાં બાંગલાદેશમાં યોજાયેલી ચૂંટણીમાં વિજય મેળવ્યો ત્યારે
વડાપ્રધાન પદની શપથવિધિ પહેલાં પણ મોદીએ તેમને પત્ર લખ્યો હતો. એ પત્રના જવાબમાં રહેમાને
લખ્યું હતું કે, ભૂતકાળને કોરાણે મૂકી ઢાકા નવી દિલ્હી સાથેના
ઐતિહાસિક અને લાંબા ગાળાના સંબંધોને આગળ વધારવા તૈયાર છે. આપણા સહિયારા ઇતિહાસ,
સંસ્કૃતિ અને ભૂગોળ દ્વારા બંને દેશના સંબંધોને આકાર મળ્યો છે અને તેને
અમે સૌથી વધુ મહત્ત્વ આપીએ છીએ. ઇન્ડિયન પ્રીમિયર લીગમાંથી બાંગલાદેશના ઝડપી બોલર મુસ્તાફિઝુર
રહેમાનને દૂર કરાયા બાદ બંને દેશ વચ્ચે ચકમક શરૂ થઈ હતી, જેના
પગલે બાંગલાદેશની ટીમ ભારતમાં રમાયેલી ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધામાંથી ખસી ગઈ હતી. બંને દેશોમાં ક્રિકેટને
ધર્મ જેવો દરજ્જો પ્રાપ્ત છે અને ભારત આગામી સપ્ટેમ્બર મહિનામાં મર્યાદિત ઓવર્સની શ્રેણી
રમવા બાંગલાદેશ જવાનું છે. આ માટે બાંગલાદેશે આયર્લેન્ડનો પ્રવાસ રદ કર્યાના અહેવાલ
છે. પાડોશી દેશો વચ્ચેના સંબંધો ફરી સામાન્ય બનવા તરફ આગળ વધી રહ્યાના આ બે સારા સંકેત
છે. 2024માં વિદ્યાર્થી આંદોલનને પગલે
શેખ હસીના સરકારના થયેલા પતન બાદ બાંગલાદેશમાં હિન્દુઓ સામેની હિંસા અને ભારતવિરોધી
વાતાવરણ જોરમાં હતું. જો કે, ચૂંટણી
પહેલાં ખાલિદનું પુનરાગમન અને મોટા માર્જિનથી તેના પક્ષને મળેલા વિજયને ભારતે વધાવ્યો
હતો. પાડોશી દેશોમાં અસ્થિરતા અને ચીની હસ્તક્ષેપને કારણે ભારતની ચિંતાઓ વધી હતી,
પણ રહેમાનની ઈદ ડિપ્લોમસીને કારણે સંબંધો ફરી સામાન્ય થવાની આશા પ્રબળ
થઈ છે.