કોટડા (ચકાર), તા. 26 : ભુજ-ભચાઉ
રાજ્ય ધોરીમાર્ગને ચારમાર્ગીય (ફોરલેન) હાઇસ્પીડ કોરિડોરમાં પરિવર્તિત કરવાની કામગીરી
લાંબા સમય બાદ શરૂ કરવામાં આવી છે. જો કે, કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાથી અને સલામતીનાં પૂરતાં પગલાં ન લેવાતાં અકસ્માતોની
શક્યતા વધી છે. કામ ચાલુ હોવાથી માર્ગના અનેક ભાગોમાં રોડ અકમાર્ગીય બની ગયો છે,
જેના કારણે ઓવરટેક કરવા જતાં વાહનો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. આજે
બપોર બાદ ભચાઉ તરફથી આવતો માલ ભરેલો ટેમ્પો રોડનું કામ ચાલુ હોવાથી અને ચાલકે કાબૂ
ગુમાવતાં રસ્તા પાસેના ખાડામાં ઉતરી ગયો હતો. ટેમ્પો પલટી મારતાં બચી ગયો હતો,
જેના કારણે મોટી દુર્ઘટના ટળતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી,
પરંતુ ટેમ્પોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ આસપાસના
લોકો અને વાહનચાલકો મોટી સંખ્યામાં સ્થળ પર ભેગા થયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ
રોડનાં કામ દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા, ચેતવણી બોર્ડ અને
બેરિકેડ્સ ન હોવાને કારણે નાના-મોટા અકસ્માતોની શક્યતા વધી રહી છે. ખાસ કરીને શેખપીર
ચોકડી અને લાખેંદ ચોકડી પાસે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની રહી છે. લોકોએ તંત્ર અને સંબંધિત કોન્ટ્રાક્ટરને સલામતી
માટે યોગ્ય પગલાં લેવા તેમજ રોડનાં કામમાં ગતિ લાવવા માંગ કરી છે, જેથી અકસ્માતો અટકે અને ટ્રાફિક સમસ્યામાંથી લોકોને રાહત મળે.