• શુક્રવાર, 27 માર્ચ, 2026

આઇપીએલના બીજા તબક્કાનો કાર્યક્રમ જાહેર

મુંબઇ તા. 26 : બીસીસીઆઇએ આઇપીએલ-2026નું સંપૂર્ણ શેડયૂલ જાહેર કર્યું છે. અગાઉ 20 મેચનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. હવે 24 મે સુધી રમાનાર તમામ ગ્રુપ સ્ટેજ સુધીની મેચનું સમયપત્રક જાહેર થયું છે. જો કે, બીસીસીઆઇએ પ્લેઓફ મુકાબલા વિશે કોઇ જાણકારી જાહેર કરી નથી. કુલ 12 વેન્યૂ પર આઇપીએલની બાકીની પ0 લીગ મેચ રમાશે, જે પૈકી અમદાવાદમાં ચાર મેચ યોજાશે. ગુરુવારે જાહેર થયેલા બીજા તબકકાના કાર્યક્રમમાં 8 ડબલ હેડર છે. હવે ટૂર્નામેન્ટનો રોમાંચ જોવા મળશે, જ્યાં દરેક ટીમ પ્લેઓફની દોડમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે તમામ પ્રયત્નો કરશે.  આઇપીએલની 19મી સિઝનની શરૂઆત શનિવારે થવાની છે. પહેલી મેચમાં આરસીબી અને સનરાઇઝર્સની ટકકર થવાની છે. હવે 24 મે સુધીની મેચોનો કાર્યક્રમ જાહેર થયો છે, જે 12 સ્થળ પર રમાશે. 13 એપ્રિલથી 24 મે સુધીની મેચો બેંગ્લુરુ, મુંબઇ, ચેન્નાઇ, કોલકતા, દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ, લખનઉ, જયપુર, ધર્મશાલા, રાયપુર અને ન્યૂ ચંદિગઢ ખાતે રમાશે. - આ વખતે આઈપીએલનો ઉદ્ઘાટન સમારંભ નહીં : નવી દિલ્હી, તા.26: બીસીસીઆઇ દ્રારા આઇપીએલ-2026 સીઝનના પ્રારંભ અગાઉ એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. ગયા વર્ષે આરસીબીની પહેલી ખિતાબી જીત પછીની ઉજવણીમાં બેંગ્લુરુમાં ભાગદોડ થઇ હતી. જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાના કારણે આ વર્ષે આઇપીએલની ઓપનિંગ સેરેમની યોજાશે નહીં. આઇપીએલની પહેલી મેચ આરસીબી અને સનરાઇઝર્સ વચ્ચે શનિવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. મેચ અગાઉ મૃતકોના સન્માનમાં શ્રધ્ધાંજલિ આપવામાં આવશે. જો કે આઇપીએલનો સમાપન સમારંભ રંગારંગ રીતે આયોજિત કરવામાં આવશે. બીસીસીઆઇના સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ અંગે જણાવ્યું છે કે 4 જૂન-202પના રોજ બેંગ્લુરુમાં થયેલ ભાગદોડમાં જીવ ગુમાવનાર 11 ચાહકોની યાદમાં આ વર્ષે ઉદ્ઘાટન સમારંભ આયોજિત નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 28મીએ નવી સીઝનની પહેલી મેચ અગાઉ કોઇ સાંસ્કૃતિક અથવા મનોરંજક કાર્યક્રમ આયોજિત થશે નહીં. ફક્ત મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આઇપીએલનો પ્રારંભ સાદગીથી થશે, પણ સીઝનનું સમાપન શાનદાર રીતે થશે. બીસીસીઆઇ સેક્રેટરી સૈકિયાએ કહ્યું 31 મેના ફાઇનલના દિવસે ભવ્ય સમાપન સમારંભ યોજાશે. જેમાં બોલિવૂડ ઉપરાંત ઇન્ટશનેશનલ સ્ટાર સામેલ થશે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે 2019માં પુલવામા હુમલા પછી આઇપીએલની 12મી સીઝનનો ઉદઘાટન સમારંભ બીસીસીઆઇએ રદ કર્યો હતો. એ વખતે બચેલ રકમ શહીદ પરિવારોએ અર્પણ કરી હતી.  

Panchang

dd