બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને અભૂતપૂર્વ બહુમતી મળ્યા
પછી નીતીશકુમાર 20મીએ ગુરુવારે
એમની રાજકીય કારકિર્દીમાં દસમી વખત મુખ્ય પ્રધાનપદના શપથ લેશે. ભાજપને સૌથી વધુ બેઠકો
મળી હોવાથી મુખ્ય પ્રધાનપદ મળવું જોઈએ એવો ગણગણાટ શરૂ થયો, પણ એ સંભવ નથી. વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન
અમિત શાહે નીતીશકુમારના નેતૃત્વમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. નવી દિલ્હીમાં વિજય-રેલીમાં
પણ નરેન્દ્ર મોદીએ નીતીશકુમારના `સુશાસન'ના ભારોભાર
વખાણ કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, મુખ્ય પ્રધાનપદના અધિકારી
નીતીશકુમાર જ છે. તેજસ્વી યાદવે તો પોતે મુખ્યપ્રધાન બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરીને
શપથવિધિની તારીખ પણ જાહેર કરી દીધી હતી અને એનડીએ પાસે ઉમેદવાર નથી એમ કહીને નીતીશકુમારને
ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી ભાજપે - સમય વર્તે સાવધાન થઈને નીતીશના નેતૃત્વ
હેઠળ જ ચૂંટણી લડાશે એવી જાહેરાત કરી. હવે ભાજપ નીતીશકુમારને છેડવાની - છોડવાની ભૂલ
કરે જ નહીં. બસ્સો બેઠકો મળી છે તેમાં નીતીશ અને મોદીનું યોગદાન - ભાગીદારી છે તેથી
જ મોદીનીતિ(શ) સાબિત થાય છે. નીતીશનો વિકલ્પ નથી. ભાજપે હજુ સ્થાનિક નેતા તૈયાર કરવાના
છે અને રાજ્યમાં લોકપ્રિય - સ્વીકાર્ય નેતા ઘડવા પડશે. નાયબ મુખ્ય પ્રધાનપદ માટે સમ્રાટ
અને ચિરાગ પાસવાનની પસંદગી થાય એવી શક્યતા છે. અન્ય ભાગીદાર પક્ષોના નેતાઓને પ્રધાનમંડળમાં
સમાવાશે. ભાજપ જાણે છે કે, નીતીશકુમારનું સ્વાસ્થ્ય ઠીક નથી.
અત્યારે એમને નારાજ કરાય નહીં. આખરે ભાજપની પ્રતિષ્ઠા અને આપેલાં વચનનો સવાલ છે. નીતીશકુમારે
જનતાનો વિશ્વાસ અને સત્તા મેળવ્યા પછી હવે કસોટી છે. કોઈ સરકાર માત્ર `રેવડી'
વહેંચીને વિકાસ સાધી શકે નહીં. કલ્યાણ યોજનાઓ માટે ઘણી ફાળવણી કર્યા
પછી હવે સરકારની આવકનો - તિજોરી ભરવાનો પડકાર છે. ઉદ્યોગો નથી. માત્ર રાજ્ય - બહાર
ગયેલા બિહારીઓ અર્થતંત્રને ટેકો આપે છે. હવે દારૂબંધી ઉઠાવી લેવી પડશે એવી ચર્ચા છે.
2015-16માં શરાબના વેચાણમાં રાજ્યને
વાર્ષિક 3000 કરોડ રૂપિયાની આવક હતી. હવે
આ આવક શરૂ થાય તો પછી મહિલા કલ્યાણની યોજનાઓનું શું?
મહિલાઓને મળતી મદદ ગેરમાર્ગે નહીં જાય? કાયદો-વ્યવસ્થાનું
શું? જંગલરાજ ફરીથી નહીં આવે? હવે કેન્દ્ર
સરકારે મદદ કરવી પડશે. ખાનગી ક્ષેત્રમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું પડશે, જેથી રોજગારીની સમસ્યા હલ થાય. નીતીશકુમાર તો સરકાર ચલાવશે - પણ હવે તેજસ્વી
શું કરશે? એમણે મતદારયાદી સુધારણા સામે દેશવ્યાપી જંગ છેડવાની
ધમકી આપી છે. રાજકીય ક્ષેત્રમાં ટકી રહેવા માટે આવું કરશે જ. લાલુ યાદવના જામીનની મુદત
પૂરી થાય છે તેથી આ મહિનાની આખરમાં `લોકશાહી બચાવો' શરૂ થશે. મુખ્ય સમસ્યા રાહુલ ગાંધી માટે છે. ઇન્ડિ મોરચાની નેતાગીરી મુશ્કેલીમાં
છે. એમની નેતાગીરીમાં ભવિષ્ય નથી એમ ઘણા કોંગ્રેસીઓ અને અન્ય વિપક્ષી નેતાઓ કહેવા લાગ્યા
છે. મોરચાની નેતાગીરી ઝડપી લેવા મમતા દીદી તલપાપડ છે !