મારાડુમિલી/રાયપુર, તા. 18 (પીટીઆઈ)
: નક્સલવિરોધી અભિયાનમાં મળેલી સૌથી મોટી સફળતામાં દેશનો સૌથી મોટો વોન્ટેડ અને કુખ્યાત
નક્સલી કમાન્ડર કે જેના માથે એક કરોડ રૂપિયાનું ઈનામ હતું તે માડવી હિડમા અને તેની
પત્નીના સુરક્ષાદળો સાથેની અથડામણ દરમ્યાન મોત થયાં હતાં. આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામારજુ
જિલ્લામાં આજે થયેલી અથડામણમાં છ માઓવાદીને ઠાર મારવામાં આવ્યા હતા જેમાં સુરક્ષાદળોને
આ સફળતા મળી હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિડમાના ખાત્મા માટે
30 નવેમ્બર સુધીની સમયસીમા નિર્ધારિત
કરી હતી અને તેના 12 દિવસ પહેલાં
જ તેને ઠાર મારવામાં આવ્યો હતો. અલ્લુરી સીતારામારજુ જિલ્લાના એસપી અમિત બારદારે જણાવ્યું
હતું કે આ અથડામણ મારાડુમિલી મંડલના ગાઢ જંગલ વિસ્તારમાં સવારે 6.30થી 7 વાગ્યાના અરસામાં થઈ હતી. અથડામણ દરમ્યાન
બે મહિલા અને ચાર પુરુષ નકસલવાદી માર્યા ગયા હતા જેની ઓળખ હિડમા, તેની પત્ની મદક્કમ રાજે, દેવે, લકમલ (ચૈતુ), માલ્લા (મલ્લાઉ)
અને કમલુ (કમલેશ) તરીકે કરવામાં આવી છે.સૂત્રોએ
જણાવ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહે એક સમીક્ષા બેઠક દરમ્યાન 30 નવેમ્બર સુધીમાં હિડમાનો ખાત્મો
કરવાની તાકીદ કરી હતી. સુરક્ષા દળોએ આ કાર્યવાહી સમયસીમાથી પહેલાં જ પાર પાડી હતી.
1981માં સુકમામાં જન્મેલો હિડમા
પીપલ્સ લિબરેશન ગોરિલ્લા આર્મીનો કમાન્ડર હતો અને માઓવાદી સેન્ટ્રલ કમિટીનો સભ્ય હતો.
તે ટોચના માઓવાદી નેતૃત્વમાં સામેલ થનારો બસ્તરનો એકમાત્ર આદિવાસી સભ્ય હતો. હિડમા
24થી પણ વધુ નક્સલી હુમલાનો માસ્ટરમાઈન્ડ
રહ્યો હતો. તેને 2013ના દરભા ખીણ
નરસંહાર અને 2017ના સુકમા હુમલા માટે જવાબદાર
માનવામાં આવે છે.