• બુધવાર, 19 નવેમ્બર, 2025

મોંઘવારીના દરમાં ઐતિહાસિક ઘટાડો

દેશની આર્થિક સ્થિતિ મજબૂત હોય કે ન હોય સામાન્ય અને મધ્યમવર્ગ માટે મહત્ત્વની બાબત તેમના પોતાના પરિવારનાં બજેટની હોય છે. પરિવારોનાં બજેટ માટે ચાવીરૂપ મોંઘવારીનો દર સતત ઘટી રહ્યો છે, જે અર્થતંત્રના વિકાસ માટે પણ ઉત્સાહજનક છે.  સતત બીજા મહિને છૂટક મોંઘવારીનો આંક ઘટયો છે. ઓક્ટોબરના સામે આવેલા આંકડા મુજબ મોંઘવારીનો દર 0.2પ ટકાના રેકર્ડ નીચલાં સ્તરે પહોંચી ગયો છે. આની સરખામણીએ સપ્ટેમ્બર મહિનામાં આ દર 1.44 ટકા રહ્યો હતો. ખાવા-પીવાની ચીજ-વસ્તુઓના ભાવોમાં ઘટાડાને લીધે મોંઘવારીનો દર પણ ઘટી રહ્યો છે. મોંઘવારીના દરની ગણતરી 2012ના ભાવોને આધાર રાખીને કરાય છે. 2012ના ભાવોને 100 ટકાનો આધાર બનાવીને તેની સાથેની સરખામણી મુજબ મોંઘવારીનો દર નક્કી કરાય છે. આ ભાવોનો આધાર સમયાંતરે બદલાતો રહે છે. અગાઉ 1993ના ભાવોના આધારે મોંઘવારીનો દર નક્કી થતો હતો. ઉલ્લેખનીય છે કે, રિઝવ બેન્ક ઓફ ઈન્ડિયા મોંઘવારીને કાબૂમાં રાખવા પોતાની આર્થિક નીતિઓમાં સતત ફેરફાર કરે છે. તેમાં પણ સરકારે જીએસટીનાં માળખાંમાં ધરમૂળથી ફેરફાર કરીને બજારમાં વસ્તુઓના ભાવોમાં ભારે ઘટાડો આણ્યો છે. આને લીધે મોંઘવારીના દર તો ઘટયા છે, બજારમાં ખરીદી પણ વધી છે.  સરવાળે અર્થતંત્રમાં વિકાસલક્ષી વલણ પણ વધી રહ્યંy છે. ભાવો ઘટવાને લીધે લોકોમાં ખરીદીનું ચલણ વધતાં અર્થતંત્રનાં ચક્રને વેગ મળ્યો છે. ઓક્ટોબર મહિનાનો મોંઘવારીનો દર છેલ્લાં આઠ વર્ષમાં સૌથી ઓછો રહ્યો છે. 2017માં આ દર 1.46 ટકા હતો. આવામાં સવાલ એ છે કે, મોંઘવારીનો આ ઘટેલો દર જળવાઈ રહેશે કે નહીં. મોંઘવારીના દરમાં ખાવા-પીવાની વસ્તુઓના ભાવોનો હિસ્સો લગભગ પ0 ટકા જેટલો હોય છે. આ વખતે શાકભાજી અને ફળના ભાવોમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. વળી સારા વરસાદને લીધે જળાશયોમાં પૂરતાં પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, પરિણામે વાવણી પણ સારાં પ્રમાણમાં થઈ છે, જે ભવિષ્યમાં ભાવોને કાબૂમાં રાખવામાં ચાવીરૂપ બની રહેશે. આમે પણ ખાવા-પીવાની વસ્તુઓના ભાવોના આંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ દર માઈનસ 2.28થી ઘટીને માઈનસ પ.02 થઈ ગયો છે. ગ્રામીણ મોંઘવારી 1.07થી ઘટીને માઈનસ 0.2પ ટકાએ પહોંચી ગઈ છે. તે જ રીતે શહેરી મોંઘવારીનો દર 1.83 ટકાથી ઘટીને 0.88 ટકાએ પહોંચ્યો છે. સરકારે મોંઘવારીના મોરચે સતત સચેત રહેવાની ખાસ જરૂરત છે. જીએસટીના દરમાં કાપને પગલે અમુક વસ્તુઓના ઘટેલા ભાવો ફરી વધી ગયા છે. સરકારે જીએસટીના ઘટાડાથી નફામાં વધારો કરવાની કંપનીઓની માનસિક્તાને અંકુશમાં લેવા કડક પગલાં લેવાની જરૂરત છે. આમ થશે તો જ સામાન્ય વપરાશકારો અને ગ્રાહકોને જીએસટીમાં ઘટાડાનો પૂરો લાભ મળી શકે અને તેનાથી સરવાળે બજારોમાં ઉપાડ વધે અને અર્થતંત્રને ફાયદો થાય. સરકારે મોંઘવારીને નાથવાના પડકારને પહોંચી વળવામાં સફળતા મેળવી છે, પણ હવે આ ઘટાડાને જાળવી રાખવાના પડકારને પણ પહોંચી વળવા સક્રિય રહેવું પડશે. 

Panchang

dd