• બુધવાર, 19 નવેમ્બર, 2025

શેખ હસીનાને ફાંસીની સજા ન્યાયનું ફારસ

અરાજકતા અને કટ્ટરતાના ભરડામાં અટવાયેલા બાંગલાદેશમાં અપેક્ષા મુજબ માજી વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા કરાઈ છે. બાંગલાદેશમાં ભારે ઉગ્ર અને લોહિયાળ આંદોલન બાદ સત્તા છોડીને નવી દિલ્હી જતા રહેલા શેખ હસીનાને તેમની ગેરહાજરીમાં આંતરરાષ્ટ્રીય ગુના માટેની ખાસ અદાલતે માનવતા વિરુદ્ધના અપરાધ બદલ ફાંસીની સજા ફરમાવી છે.  હાલે નવી દિલ્હીના એક સરકારી સેફ હાઉસમાં આશ્રય લઈ રહેલા આ નેતાને સજા થતા હવે બાંગલાદેશ સરકારે તેમને પરત મોકલવાની નવેસરથી ભારત સરકાર સમક્ષ માગણી પણ કરી નાખી છે. ગયાં વર્ષે બાંગલાદેશમાં યુવાનોના ઉગ્ર આંદોલનને પગલે ત્યાં સરકારને સત્તા છોડવાની ફરજ પડી હતી.  ત્યારથી નવી દિલ્હીમાં  આશ્રય  લઈ  રહેલા  માજી વડાપ્રધાન શેખ હસીનાને પ્રત્યાર્પણ સંધી હેઠળ પોતાના દેશ પરત મોકલવાની બાંગલાદેશના વિદેશ મંત્રાલયે ભારત સરકાર સમક્ષ માંગ કરી છે.   ઉલ્લેખનીય છે કે, આ છેલ્લા સત્તાપલટા સુધી બાંગલાદેશના ભારત સાથે સારા સંબંધ રહ્યા છે, પણ હવે ત્યાંની વચગાળાની સરકારનું વલણ શત્રુતાભર્યું રહ્યંy છે. અત્યાર સુધી પાકિસ્તાનથી અળગા રહેતા બાંગલાદેશે હવે તેની સાથે ગાઢ સંબંધ કેળવવા શરૂ કર્યા છે.  એક રીતે ભારત વિરોધી ધરી  ત્યાં સક્રિય બની છે.  હવે શેખ હસીનાના મામલે વાત વધુ વણસે એવી પૂરી શક્યતા છે.  શેખ હસીનાને સજા થતા તેમને 2013ની પ્રત્યાર્પણ સંધી મુજબ પોતાના દેશ પરત મોકલવા જોઈએ એવી બાંગલાદેશની માંગ છે.  ત્યાંના વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યંy છે કે, શેખ હસીનાને શરણ આપવું એ મિત્રતાની વિરુદ્ધ રહેશે અને ન્યાય તરફ અવમાનના બની રહેશે. જો કે, બાંગલાદેશ જે પ્રત્યાર્પણ કરારને ટાંકી રહ્યંy છે, તેની કલમ આઠ મુજબ જો આરોપીના જીવને જોખમ હોય, તેની સામે નિષ્પક્ષ કાર્યવાહી થઈ ન હોય અથવા અદાલતી કાર્યવાહીનો ઉદ્દેશ ન્યાય નહીં પણ રાજકીય હોય તેવા સંજોગોમાં ભારત પ્રત્યાર્પણની વિનંતીને નકારી શકે છે.   શેખ હસીનાના કેસમાં તેમને પોતાનો બચાવ કરવાની તક પણ અપાઈ ન હતી. એટલે આ અદાલતી કાર્યવાહી ફારસ બની રહી હતી, જેનો ચુકાદો પણ સૌને ખ્યાલ જ હતો.  આ કહેવાતા ખટલા સામે આંતરરાષ્ટ્રીય સંગઠનો વાંધો ઉઠાવી ચુક્યા છે. આમે શેખ હસીના તેમની સામેની સજા સામે ઉપલી અદાલતોમાં અપીલ કરી શકે છેપણ જે રીતે ત્યાં ન્યાયતંત્ર પર સરકારનું દબાણ છે તે જોતાં તેમની અપીલ ધ્યાને લેવાય એવી શક્યતા બહુ ઓછી  છે, પણ તેઓ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પરિષદ ઉપરાંત અન્ય વૈશ્વિક સંગઠનોની પાસે ન્યાય માટે વિનંતી કરે એવી શક્યતા છે.   દરમ્યાન મોહમ્મદ યુનુસના વડપણ હેઠળની બાંગલાદેશની વચગાળાની સરકાર દેશમાં સ્થિરતા સ્થાપવામાં સફળ થઈ નથી. આંદોલન ચલાવી ચૂકેલા વિદ્યાર્થીઓના મજબૂત સરકારનું સ્વપ્ન સકાર થતું જણાતું નથી.  આવામાં શેખ હસીનાને જે રીતે સજા કરાઈ છે તેનાથી દેશમાં સ્થિતિ વણસી શકે તેમ છે. તેમના અવામી લીગના કાર્યકરોનો રોષ ફાટી નીકળે તો દેશમાં ભારે અરાજકતા ફેલાઈ શકે છે.  આવનારો સમય બાંગલાદેશ માટે ભારે પડકારરૂપ બની રહેશે અને તેમાંથી માર્ગ શોધવાનું મોહમ્મદ યુનુસ અને તેમના સાથીદારો માટે લગભગ અશક્ય બની રહેશે એમ જણાય છે. 

Panchang

dd