ભુજ, તા. 18 : શહેરના ખારીનદી રોડ પરની સર્વોદયનગર
નામની કોલોનીમાંથી ધોળા દિવસે બંધ ઘરનાં તાળાં તોડી 1.80 લાખની મતાની તસ્કરી થતાં આસપાસના
રહેવાસીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. આ ઘરફોડી અંગે ગઈકાલે એ-ડિવિઝન પોલીસ મથકે મૂળ દિલ્હીના
હાલે સર્વોદયનગર રહેતા ગીતાબેન સફલરાયે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 16/11ના સવારે 11.30 વાગ્યે ઘરને તાળું લગાવી નોકરીએ
જતા રહ્યા હતા અને સાંજે સાતેક વાગ્યે પરત આવતાં ઘરનું તાળું તૂટેલું અને સામાન વેર-વિખેર
હતો. કોઈ અજાણ્યા ચોર ઈસમે ઘરનું તાળું તોડી કબાટના ખાનામાંથી સોનાના મંગળસૂત્રના બે
પેંડલ, ચેન તેમજ અન્ય બે પેંડલ તથા બે વીંટી,
બે જોડી સોનાની બુટ્ટી એમ કુલ 1.20 લાખના સોનાના દાગીના તથા ચાંદીના
બે જોડી પાયલ, વાટકી, ચમકી, બે કડાં જેની અંદાજે કુલ કિં. રૂા. 15,000 તેમજ રોકડા રૂા. 45,000 એમ કુલ 1,80,000ની ચોરી કરી લઈ ગયા છે. આમ
સવારથી સાંજ દરમ્યાન ધોળા દિવસે થયેલી આ ચોરી અંગે એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી છાનબિન
આદરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુંદરા
રોડ પર કથાના યજમાનોને આપેલા ઉતારાના બંગલામાંથી પણ ધોળા દિવસે થયેલી લાખોના દાગીનાની
ઘરફોડીનો ભેદ હજુ અકબંધ છે, ત્યાં ફરી ધોળા દિવસની ચોરીનો બનાવ
સામે આવ્યો છે. આમ તસ્કરોને પોલીસનો ભય ન હોવાનું અને બેફામ બન્યાનું ચિત્ર ઉપસી રહ્યું
છે.