રાષ્ટ્રીય પ્રેસ-ડે નિમિત્તે આજે પત્રકારત્વની થોડી વાત કરીએ.
જર્નાલિઝમ પત્રકારત્વ ખૂબ જવાબદેહિતાનું કામ છે. અખબાર સમાજની આરસી કહેવાય... જે કંઇ
સમાજમાં બને એનું પ્રતિબિંબ અખબારનાં પાનાંમાં ઝીલાય. સોશિયલ મીડિયા ચલણી બન્યા પછી
આજે સંદર્ભ અને નજરિયો બદલાઇ ગયો છે. મોબાઇલ કેમેરા તરીકે, રેકોર્ડર તરીકે અને નોટપેડ તરીકે કામ કરતો થયો
છે અને દરેક લોકો પત્રકાર બનીને ખબર વાયરલ કરે છે... એટલે જ જવાબદેહિતાનો પ્રશ્ન ગંભીર
બન્યો છે. પ્રિન્ટ મીડિયાનું મહત્ત્વ એટલું જ વધ્યું છે. ગયાં વર્ષે નેશનલ પ્રેસ-ડે
નિમિત્તે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત સમારોહમાં જન્મભૂમિના
ગ્રુપ એડિટર અને પદ્મભૂષણ વરિષ્ઠ પત્રકાર કુન્દન વ્યાસે ડિજિટલ પ્લેટફોર્મના ઝડપી વિકાસના
જમાનામાં પ્રિન્ટ મીડિયા માટે વિશેષ પગલાંની જરૂરત પર ભાર મૂક્યો હતો.ગુજરાતની સાથે
કચ્છનું પત્રકારત્વ આજના યુગમાં ધમધમી રહ્યું છે. ગુજરાતભરના અખબારી પ્રકાશનો વચ્ચે
79 વર્ષની મજલ પૂરી કરીને કચ્છમિત્ર
કચ્છના અગ્રિમ લોકપ્રહરીની ભૂમિકા બખૂબી નિભાવી રહ્યું છે. પ્રખર રામાયણી મોરારિબાપુ
જન્મભૂમિ જૂથના અખબારો માટે કહેતા આવ્યા છે, અખબારનાં પાનાં કેટલા છે એના કરતાં તેનો પનો કેટલો છે એ મહત્ત્વનું છે. કચ્છમિત્રએ
મોટા પના સાથે વાચકોનો અપાર વિશ્વાસ મેળવ્યો છે. કચ્છમિત્રની સાફલ્યગાથા, પ્રજાભિમુખ ગ્રામીણ પત્રકારત્વ વિશે સંશોધન-થીસીસ થયા છે.સીમાવર્તી કચ્છ અનોખો
મુલક છે, એમ અહીંના પત્રકારત્વની પણ વિશિષ્ટતા છે. વારંવાર ત્રાટકતી
કુદરતી આફતો, વરસાદ આધારિત ખેતી, પશુપાલન,
શ્વેત અને શ્યામ રણ, સમુદ્રકાંઠો, ભવ્ય ઐતિહાસિક સ્થાપત્યો, પુરાણપ્રસિદ્ધ યાત્રાધામો,
તળપદી કોમો, કોમી-એકતા, શિયાળામાં
આવતા લાખો યાયાવાર પંખીઓ, અછત, દુષ્કાળ,
નર્મદાનાં નીર... આ બધા વિષયો કચ્છમિત્રમાં, અન્ય
અખબારોમાં પ્રતિબિંબિત થતા રહે છે. કચ્છમિત્રના સજાગ પત્રકારત્વ થકી અનેક પ્રશ્નો ઉકેલાયા
પણ છે. દિવંગત ચેરમેન પ્રવીણચંદ્ર ગાંધી અને દામજીભાઇ એન્કરવાલા 1998નાં કંડલા વાવાઝોડાંમાં તારાજ
થયેલા ખેતરો ખૂંદી વળ્યા હતા. ધરતીકંપ વખતે કચ્છમિત્રએ પાંચ ગામનું પુન:નિર્માણ કર્યું
તે ઉપરાંત દેશ-દુનિયાના મીડિયા માટે પથદર્શકની ભૂમિકા ભજવી હતી. હવે જમાનો બદલાયો છે
ત્યારે પત્રકારો અને વર્તમાનપત્રની બદલાયેલી ભૂમિકાની વાત કરીએ તો કચ્છમિત્રએ છેલ્લા
દોઢ-બે વર્ષથી પ્રવૃત્તિશીલ જર્નાલિઝમ કરીને નવી કેડી કંડારી છે. એક સમયે કચ્છના પ્રશ્નો
માટે કલમ ચાલતી, આજે મહદ્અંશે ગંભીર પ્રશ્નો
ઉકેલાઈ રહ્યા છે, પાણીની મુશ્કેલી ખૂબ ઓછી થઈ ગઈ છે. મહાકાય ઉદ્યોગોનું
સામ્રાજ્ય સ્થપાયું છે. આ સિનારિયોમાં કચ્છમિત્રએ વિવિધ સ્તરે, વિષયો પર સેમિનાર - કોન્કલેવ યોજીને વિકાસને યોગ્ય દિશા આપવામં પોતાની ભૂમિકા
ઊભી કરી છે. ન માત્ર કચ્છ કે ગુજરાત, બલ્કે યુરોપના દેશોમાં અન્યત્ર
ગુજરાતી ભાષીનાં સંવર્ધન - ઉત્કર્ષ માટે પણ કાર્યક્રમ શરૂ કર્યા છે. કચ્છમાં પ્રવાસન
બારેમાસ ધમધમતું રહે માટે આયોજન ગોઠવાયું છે, તો ભૂખી નદીને પુનર્જીવન
કરવાના મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પમાં ગ્લોબલ કચ્છ-ડીપીએ સાથે કચ્છમિત્ર સહયોગની ભૂમિકામાં
છે. ડિજિટલ મીડિયામાં પણ કચ્છમિત્ર ઝડપી અને ભરોસામંદ ન્યૂઝ બ્રેકર તરીકે પ્રસ્થાપિત
થઇ ચૂક્યું છે.થોડા મહિનાઓ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છમિત્રની
ખાસ શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજ્યમાં કોઈ અખબારી ગ્રુપની તેમની આ પહેલી મુલાકાત
હતી. સાડા ત્રણ દાયકા પહેલાં આ લખનારે પત્રકારત્વની
શરૂઆત કરી ત્યારે સમાચાર મેળવવાના સ્રોત સીમિત. સ્થાનિક સમાચાર માટે મુખ્યત્વે તાર-ટપાલ,
રૂબરૂ જઈને થતું રિપોર્ટિંગ અને ટેલિફોનનો જ આધાર. રાજ્ય કે દેશ-વિદેશના
ન્યૂઝ બ્યૂરો મારફત ટેલિપ્રિન્ટર લાઇન પર મળે, તેમાંય ક્યારેક
સેટેલાઇટ સેવા ખોરવાયેલી હોય એટલે પી.ટી.આઈ.-યુ.એન.આઇ. અને બ્યૂરો કચેરી સાથેની ટીપી
સર્વિસ પણ ઠપ થઇ જાય, પણ તેથી છાપું તો અટકી ન શકે. આવા સંજોગોમાં
રેડિયો ન્યૂઝના આધારે અહેવાલ તૈયાર કરીને સમાચાર બનાવતા અને આજે સોશિયલ મીડિયા થકી
ન્યૂઝ રૂમ કે ન્યૂઝ ડેસ્ક પર મહાક્રાંતિ આવી છે. ઈન્ટરનેટનો પ્રસાર વધ્યા પછી તેને
માહિતીના વિસ્ફોટ તરીકે આવકાર મળ્યો, કિન્તુ સોશિયલ મીડિયાને
લઇને ફેલાતી સાચી-ખોટી ખબરો છાપાવાળાઓથી લઈને તંત્ર માટે પણ માથાંનો દુ:ખાવો પુરવાર
થઇ રહી છે, પણ એક વાત સ્પષ્ટ છે, વાચકો
નીરક્ષીરનો ભેદ સમજે છે. કચ્છમિત્ર આજે પણ જનહૃદયની ઝંખનાનો ઝરૂખો બનીને સફળતાનાં સીમાચિહ્ન
વટાવી રહ્યું છે. મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયા અને ટ્રસ્ટી મંડળની ગતિશીલતા અખબારની
વ્યાપક પ્રવૃત્તિમાં વર્તાઇ રહી છે. નેશનલ પ્રેસ-ડે નિમિત્તે એટલું જ કહેવાનું કે,
કચ્છમિત્રની ભૂમિકા અન્યોથી નોખી છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સંચાલિત જન્મભૂમિ
પત્રો ગંભીર પત્રકારત્વમાં માને છે. કચ્છ યુનિવર્સિટી સાથે મળીને મૂલ્યોને વફાદાર પત્રકારોની
નવી પેઢી તૈયાર કરવા સર્ટિફિકેટ કોર્સ પણ શરૂ કર્યા છે. અને છેલ્લે `ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા' અને `ધ ઇકોનોમિક ટાઈમ્સ'ના પૂર્વ તંત્રી તુષારભાઈ ભટ્ટે કહ્યું હતું, `કચ્છ એક પ્રદેશનું નામ છે અને કચ્છમિત્ર
એ પ્રદેશનો શબ્દદેહ છે...'