• શનિવાર, 07 ડિસેમ્બર, 2024

વિકાસનાં લક્ષ્યો હાંસલ કરવા અર્થતંત્રને વધુ સ્વતંત્રતા જરૂરી

ભારતીય અર્થતંત્ર પર ભલભલા ખેરખાં અર્થશાસ્ત્રીઓની નજર મંડાયેલી રહે છે. વિશ્વમાં સોથી વધુ વિકાસદર ધરાવતા ભારતીય અર્થતંત્રમાં હજી ઇચ્છિત લક્ષ્ય હાંસલ થઇ શક્તાં ન હોવાની વાસ્તવિક્તા સામે આવતી રહે છે.  સંખ્યાબંધ બાબતોમાં ભારતીય અર્થતંત્ર તેની મજબૂતીની  પ્રતીતિ તો કરાવે છે, પણ વાસ્તવમાં અમુક પાયાનાં લક્ષ્યોમાં રહેતી ઉપણ આર્થિક ક્ષેત્રને વધુ મુક્ત અને આકર્ષક બનાવવાની અનિવાર્યતા છતી કરે છે. ભારે ઝડપી વિકાસ છતાં અર્થતંત્રની નબળાઇઓ છતી થઇ રહી છે. એક તરફ ભારતનો વિદેશી હુંડિયામણનો ભંડાર છલોછલ છે, તો પણ રૂપિયો ડોલરની સરખામણીએ નબળો પડતો જાય છે. આવી જ હાલત આયાત-નિકાસની છે. નિકાસમાં સતત વધારો થતો હોવા છતાં વેપારી ખાદ્ય કાબૂમાં આવતી નથી. ભારતીય શેરબજારોમાં આગઝરતી તેજી છે, તો પણ વિદેશી રોકાણકારો ભારતમાંથી નાણાં કાઢીને પરત લઇ જવા લાગ્યા છે. અત્યારે તો છૂટક અને સ્વદેશી રોકાણકારોના આધારે બજારો ટકી હોવાનો તાલ સર્જાયો છે. સાથોસાથ દેશમાં સીધાં વિદેશી રોકાણમાં ભારે ઓટ અનુભાવાઇ રહી છે. આવાં ચિંતાજનક ચિત્રમાં અર્થતંત્રને  ફરી   ધમધમતું કરવાનો પડકાર મુશ્કેલ બની રહ્યો છે. હાલત એવી છે કે, ભારે આકર્ષક વાતાવરણ હોવા છતાં અર્થતંત્ર સરકારી નીતિઓની આંટીઘૂંટીમાં અટવાયું છે. વળી, સરકાર આર્થિક સુધારાની વાતો કરે છે, પણ વાસ્તવમાં કોઇ નક્કર પગલાં જણાતાં નથી. તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે એક મહત્ત્વની બાબત પર સરકારનું ધ્યાન દોર્યું કે, વેપારી અને ઉદ્યોગપતિઓ પર વ્યવસ્થાનું કોઇ દબાણ હોવું જોઇએ નહીં. આ વર્ગ રોજગારી અને અર્થતંત્રના વિકાસ માટે ચાવીરૂપ હોવાથી તેમને વધુ સ્વતંત્રતા મળવી જોઇએ, એવો તેમનો મત હતો. જો કે, સૌથી મોટી તકલીફ આર્થિક મોરચે રાજકીય પક્ષોમાં વિસંવાદિતાની જણાઇ રહી છે. એક તરફ કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી અર્થતંત્રના વિકાસમાં અગ્રેસર  ઉદ્યોગપતિઓને નિશાન બનાવતા રહે છે, તો બીજી તરફ   વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળની સરકાર મેક ઇન ઇન્ડિયા અને લોકલ ફોર વોકલ જેવાં સૂત્રોને ખરા અર્થમાં સાર્થક કરવા પગલાં લઇ રહી છે. સાથોસાથ સ્ટાર્ટ-અપમાં રોકાણને ઉત્તેજન અપાઇ રહ્યં છે, પણ સરકારના તમામ પગલાંની સામે કડવાશભર્યો મોરચો ખોલતા રહેતા વિપક્ષી નેતાઓના વલણથી વિકાસના વેગની સામે અંતરાય ઊભો થાય છે. પણ આ બધા વિપરીત સંજોગો છતાં સરકારે અર્થતંત્રને વધુ વિકાસલક્ષી અને પરિણામલક્ષી બનાવવા માટે તેના ચાવીરૂપ ક્ષેત્રોને વધુ સ્વતંત્ર બનાવવા પર ધ્યાન આપવાની જરૂરત છે. જો દેશમાં સરકારી અંતરાયો ઓછા હોય તો આર્થિક વિકાસ ખરા અર્થમાં લક્ષ્યને સાકાર કરી શકે એવો ઉપયોગી બની શકે તેમ છે. સારાં બજેટની સાથે અર્થતંત્રની સ્વતંત્રતા વિકાસને વેગવાન બનાવી શકશે, એ વાસ્તવિક્તા અર્થશાસ્ત્રીઓએ સરકારના ગળે ઊતારવી રહી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang