• ગુરુવાર, 03 જુલાઈ, 2025

શેખપીર ત્રણ રસ્તા પાસે વાહન તલાશી દરમ્યાન કારમાંથી ગાંજાનો જથ્થો મળ્યો

ભુજ, તા. 2 : કચ્છમાં યુવાનોમાં નશાખોરીનું પ્રમાણ વ્યાપક બન્યું છે. ઉપરાછાપરી માદક પદાર્થ ડ્રગ્સ, ગાંજો તેમજ મોટા પ્રમાણમાં દારૂ પકડાવાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ વચ્ચે ગઈકાલે શેખપીર ત્રણ રસ્તા પાસે વાહન તલાશી દરમ્યાન વરના કારમાંથી 3.825 કિ.ગ્રામ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ભુજના બે યુવાનને પોલીસે ઝડપી પાડયા હતા. ગઈકાલે એસઓજીનો સ્ટાફ શેખપીર ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગની કામગીરીમાં હતો ત્યારે ભચાઉ તરફથી આવતી સફેદ કલરની હ્યુન્ડાઈની વરના કાર નં. જી.જે.-03.-સીએ-2319વાળીને ઊભી રખાવી તલાશી લેતાં તેમાંથી માદક પદાર્થ ગાંજો 3.825 કિલોગ્રામ કિં. રૂા. 38,250ના જથ્થા સાથે આરોપી હેત સોમપુરી ગુસાઈ અને ઓમગિરિ અરવિંદગિરિ ગોસ્વામી (રહે. બન્ને ભુજ)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ માદક પદાર્થ ગાંજાના જથ્થા અંગે આરોપીઓને પૂછતાં તેઓ હિંમતનગરથી એક અજાણ્યા ઈસમ પાસેથી રૂા. 21 હજારમાં આ જથ્થો લઈ આવ્યાનું પ્રાથમિક પૂછતાછમાં જણાવ્યું હતું. 3.825 કિલોગ્રામ ગાંજો કિં.રૂા. 38,250, બે મોબાઈલ કિં.રૂા. 25000, રોકડા રૂા. 13,400 અને બે લાખની કારનો મુદ્દામાલ કબજે લઈ બન્ને ભુજના યુવાન અને માલ આપનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ પદ્ધર પોલીસ મથકે એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી તજવીજ આદરાઈ છે. 

Panchang

dd