માંડવી, તા. 2 : અહીંના નગર સેવા સદન ખાતે યોજાયેલી
સભામાં રૂા. 45 કરોડના અંદાજપત્રને બહાલી સાથે
વિવિધ વિકાસકામો મંજૂર કરાયા હતા. પ્રમુખ હરેશભાઇ વિંઝોડાના અધ્યક્ષપદે યોજાયેલી સામાન્ય
સભામાં ટાઉન પ્લાનિંગ કમિટી બેઠક અને કારોબારીમાં રજૂ થયેલા વિવિધ ઠરાવોને સામાન્યસભા
દ્વારા બહાલી આપવામાં આવી હતી. હિસાબી વિભાગ દ્વારા 2024-25ના જાન્યુ.થી માર્ચના ત્રિમાસિક
હિસાબો અને વર્ષ 2025-26 માટે
વિવિધ વિભાગના ખર્ચ અંતર્ગત ફાળવણી કરવામાં આવી હતી. સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ
યોજના ઓ.જી. ગ્રાન્ટમાં નાણાપંચ, 14મા નાણાપંચ અને અન્ય વિકાસ યોજના હેઠળની
ગ્રાન્ટમાંથી ડામર રોડ, સી.સી. રોડ,
પાણીની નવી લાઇનો, જી.ટી. ગ્રાઉન્ડમાં મહિલા અને
પુરુષ બોક્સ ક્રિકેટ યુનિટ, સ્ટેડિયમ, શૌચાલય
સુવિધા, મોચી તળાવ પાસેનાં ગ્રાઉન્ડ પર બાઉન્ડ્રી વોલ,
સાર્વજનિક સ્થળે બાળકો માટે રમવાનાં સાધનો, સોલાર
લાઇટો, ગટર સમસ્યા નિવારણ અર્થે વિવિધ સાધનો, યંત્રો, ઠાકરાણીવાળી સહિત જળભરાવ સ્થળોએથી પાણીનો નિકાલ
લાવવા જનરેટર ખરીદી, વર્ષો જૂના બીચ લિન્ક રોડ સંબંધે વધારાની
નાણાકીય જોગવાઇ (ધવલનગર બાયપાસ), બીચ ઉપર ધંધાર્થીઓને સગવડ મળે
તે વાસ્તે જમીન પ્રાપ્તિ અર્થે સરકાર પાસે માગણી, બીચ ઉપર પાર્કિંગ
અને અન્ય એક્ટિવિટી, માધવ નગર હાઇમાસ્ટ લગાડવા, રૂકમાવતી નદી પટ પર ચાર બોર બનાવવા, વોર્ડ-1માં લક્ષ્મીનારાયણ નગર પર સાર્વજનિક ચોકમાં
પેવરબ્લોક લગાવવા સહિતના નિર્ણયો લેવાયા હતા. ઓપરેશન સિંદૂરની સફળતા બદલ પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદી, સુરક્ષા દળોના ઓવારણા લેવાયા
હતા. સામાન્યસભામાં ઉપાધ્યક્ષા જ્યોત્સનાબેન સેંઘાણી, કારોબારી
સમિતિના ચેરમેન વિશાલ ઠક્કર, લાંતિક શાહ, પારસ માલમ, રાજેશ કાનાણી, પીયૂષ
ગોહિલ, કાદર ઉઠાર, હનીફ જતા, લક્ષ્મીબેન વાડા, ગીતાબેન સોની, વિજય ગઢવી, જયશ્રી સલાટ, પદમાબેન
ફૂફલ, નિમેષ દવે, મંજુલાબેન કેરાઇ,
અબ્દુલ્લાહ ઓઢેજા, કસ્તૂરબેન દાતણિયા, જશુબેન હિરાણી, મરિયમબેન રોહા, વિજય ચૌહાણ, હેતલબેન સોનેજી, કિરણબેન
ટોપરાણી, જિજ્ઞાબેન હોદાર, વિપક્ષે હાજી
આદમ થૈમ, સવિતાબેન સોલંકી, ઉમર ભટ્ટી,
સમીરાબેન સુમરા, અબ્દુલ આગરિયા વગેરેએ ભાગ લીધો
હતો. મુખ્યાધિકારી જિજ્ઞેશ બારોટની દોરવણીમાં હેડકલાર્ક મનજી પરમાર, ચેતન જોશી, પ્રવીણ સુથાર, જયેશભાઈ,
મયૂરસિંહ ઝાલા, ભૂપેન્દ્ર સલાટ, મહેશ જોશી, મેહુલ ભટ્ટ, શંકર ચૌહાણ,
જિતેશગર ગોસ્વામી, સાવન રાઠોડ વગેરેએ કામગીરી સંભાળી
હતી. આ પહેલાં વિશાલ ઠક્કરના પ્રમુખપદે કારોબારી સમિતિએ બહાલી આપી હતી. દરમિયાન પાલિકાના
સફાઈ કર્મચારી મોહનભાઈ મકવાણા તેમજ વિમાન દુર્ઘટના,પહેલગામમાં
મૃત્યુ પામનારાઓને સૌપ્રથમ અંજલિ આપવામાં આવી હતી.