ગાંધીધામ, તા. 2 : તાલુકાના જવાહરનગરમાં આવેલી
એક હોટેલમાં પંજાબથી અહીં હેરોઇન નામનું માદક પદાર્થ વેચવા આવેલા બે શખ્સને પોલીસે
પકડી પાડી તેમની પાસેથી રૂા. 17,31,100નો
34.430 ગ્રામ માદક પદાર્થ જપ્ત કર્યો
હતો. ગાંધીધામના જવાહરનગર નજીક આવેલી અર્બુદા હોટેલના રૂમ નંબર 19માં પોલીસે છાપો માર્યો હતો. આ હોટેલમાં
આવેલા બે પંજાબી શખ્સ માદક પદાર્થ વેચવા આવ્યા હોવાની પૂર્વ સચોટ બાતમીના આધારે પોલીસે
કાર્યવાહી કરી હતી. અર્બુદા હોટેલના રૂમ નંબર 19માં જતાં તેમાં પંજાબ તરનતારનનો ગુરદેવસિંઘ રેશમસિંઘ જટ નામનો
શખ્સ મળી આવ્યો હતો. તેણે પહેરેલ કુર્તા નીચેના શર્ટના ખિસ્સામાંથી પીળા રંગની કોથળી
મળી આવી હતી. આ કોથળી ખોલતાં તેમાં પારદર્શક કોથળી મળી આવી હતી જેમાં પીળા રંગની પેસ્ટ
જેવો પાવડર પ્રકારનો પદાર્થ મળી આવ્યો હતો. આ શખ્સે આ પદાર્થ ચીટ્ટો હોવાનું કહ્યું
હતું. દરમ્યાન, પલંગમાં સૂતેલા ઇકબાલસિંઘ
મુખત્યારસિંઘ લધડની તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેની પાસેથી કાંઇ શંકાસ્પદ મળ્યું
નહોતું. પોલીસે એફ.એસ. એલ. અધિકારીને બોલાવી આ પદાર્થનું પૃથ્થકરણ કરાતાં આ પદાર્થ
હેરોઇન, મોર્ફિન ઓર કોડેઇન ડ્રગ્સ હોવાનું પરીક્ષણમાં બહાર આવ્યું
હતું. આ શખ્સો પાસેથી રૂા. 17,21,500નો 34.430 ગ્રામ
હેરોઇન પોલીસે જપ્ત કર્યો હતો. આ શખ્સોએ રાજસ્થાનના જોધપુરમાંથી કોઇ ટ્રકચાલક પાસેથી
રસ્તામાં આ માદક પદાર્થ ખરીદ્યો હોવાની કેફિયત આપી હતી તેમજ ઇકબાલસિંઘ ટ્રકચાલક હોવાથી
ગુરદેવસિંઘને ગ્રાહકો શોધવામાં મદદ કરતો હતો. આ શખ્સો બે દિવસથી અહીં હોવાનું તથા 100 ગ્રામ માદક પદાર્થ અહીં લઇ
આવ્યા હોવાનું તેમજ અન્ય પોતે ફૂંકી માર્યો અથવા વેચી માર્યાનું પણ સપાટી ઉપર આવ્યું
હતું. આ બંનેને કોર્ટમાં રજૂ કરાતાં બંનેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. આ કાર્યવાહીમાં
એ-ડિવિઝનના પી.આઇ. એમ. ડી. ચૌધરી અને તેમની ટીમ જોડાઇ હતી.