નવી દિલ્હી, તા.2 : સંયુક્ત રાષ્ટ્ર
સુરક્ષા પરિષદ (યુએનએસસી)નું અધ્યક્ષપદ સંભાળતાની સાથે જ પાકિસ્તાને રંગ બતાવતાં ભારત
વિરોધી મોરચો ખોલી દીધો છે. પાકિસ્તાને ફરી એક વખત કાશ્મીર રાગ છેડતાં પોતે કદી નહીં
સુધરે એ દુનિયા સમક્ષ ફરી દર્શાવી આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત
અસીમ ઈફ્તખાર અહેમદે કાશ્મીર રાગ આલાપતાં જણાવ્યું હતું કે, કાશ્મીર મુદ્દાનાં સમાધાન માટે યુએનએસસીએ જરૂરી
પગલાં ઊઠાવવાં જોઈએ. પાકિસ્તાની દૂતે દ્વિપક્ષીય મામલાને અંતરરાષ્ટ્રીય બનાવવાનો પ્રયાસ
કરતાં જણાવ્યું હતું કે, કાશ્મીરનો વિવાદિત મુદ્દો ભારત અને પાકિસ્તાન
વચ્ચે ગંભીર તંગદીલીનો વિષય બનેલો છે. સંયુક્ત રાષ્ટ્રના ન્યૂયોર્ક વડામથકે અહમદે જણાવ્યું
કે, દુનિયાને હવે આ મુદ્દા પર કામ કરવાની જરૂર છે. કાશ્મીર મુદ્દે
વાત કરવાનો આ જ સાચો સમય છે અને હું કહેવા માગીશ કે, આ માત્ર
પાકિસ્તાનની જ જવાબદારી નથી. તેમણે આગળ વધતાં એમ કહ્યું હતું કે, અમે તો અહીં અસ્થાયી છીએ. બે વર્ષ માટે અસ્થાયી સભ્ય. મારૂં માનવું છે કે,
આ મુદ્દો સુરક્ષા પરિષદનો ખાસ કરીને પરિષદના સ્થાયી સભ્યોનો પણ છે. તેઓ
એવાં પગલાં ઉઠાવે જેનાથી આ મુદ્દાનું સમાધાન સંયુક્ત રાષ્ટ્રની જ જોગવાઈઓ હેઠળ થઈ શકે.
આ જ એક માર્ગ છે એમ પણ અહમદે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી-2025માં પાકિસ્તાન
સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય બન્યું હતું અને રોટેશન હેઠળ તેને યુએનએસસીની અધ્યક્ષતા
મળી ગઈ છે. યુએનએસસીના પાંચ સ્થાયી સભ્ય અમેરિકા,
રશિયા, ચીન, ફ્રાન્સ અને
બ્રિટન તથા 10 અસ્થાયી સભ્ય
મળી પરિષદના 15 સભ્ય વચ્ચે તેનું અધ્યક્ષ પદ
ફરતું રહે છે. દરેક સભ્ય પાસે એક મહિના માટે અધ્યક્ષ પદ રહે છે.