ભુજ, તા. 2 : ગાંધીધામની ટ્રાન્સપોર્ટ કંપનીના
ચાર ટેન્કર સીલવાસાથી ટ્રાન્સફોર્મર ઓઇલ ભરી ખાવડાના આર.ઇ. પાર્કમાં ખાલી કરવા આવતા
હતા ત્યારે ટેન્કરના ચાલકોએ ચાર લાખનું ઓઇલ ચોરી કરી ભરૂચ પાસેની હોટેલમાં વેચી મારતાં
ફરિયાદ નોંધાઇ છે. આ અંગે ગાંધીધામના શ્રીકૃષ્ણ ટ્રાન્સપોર્ટના જનરલ મેનેજર સતીશ ગંગદાસ
ત્યાગીએ ખાવડા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 14/6ના તેમના ટ્રાન્સપોર્ટના ચાર
ટેન્કર સવિતા ઓઇલ ટેક્નોલોજી લિ. સીલવાસાથી ટ્રાન્સફોર્મર ઓઇલ ભરી તા. 22/6ના ખાવડા આર.ઇ. પાર્કમાં ખાલી
કરવા માટે પહોંચી ત્યારે આ ચારેય ગાડીનું વજન કરતાં 4020 કિલો ઓઇલ ઓછું નીકળ્યું હતું.
ફરિયાદીએ ભરનાર ઓઇલ કંપની તથા ખાલીની વિગતો મેળવતાં 4020 કિલો ઓછાં ઓઇલ અંગે ચારેય ડ્રાઇવરને
પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ભરૂચ
પાસે એક હોટેલમાં ઓઇલ વેચી નાખ્યું છે. આ ચાર લાખના ઓઇલની ચોરી કરી વેચવા અંગે ડ્રાઇવરો
બ્રિજેશકુમાર મોતીલાલ યાદવ, યોગેશ સમાઇ પાલ, બસંત મેહીલાલ ચૌધરી, ઇન્દ્રજિત દૂધનાથ યાદવ (રહે. ચારે
ઉત્તરપ્રદેશ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ છે.