અમદાવાદ, તા. 2 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં
સતત વધી રહેલા વાહન અકસ્માતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હવે શહેરી વિસ્તારોમાં
ટ્રાફિકની ગતિ મર્યાદા ઘટાડવાનો વિચાર હાથ ધર્યો છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા શહેરી
માર્ગો પર વાહનો માટે મહત્તમ 30 કિલોમીટર
પ્રતિ કલાકની ગતિ મર્યાદા નિર્ધારિત કરવા માટે નવી ગાઈડલાઈન તૈયાર કરવાની કામગીરી હાથ
ધરી હોવાનું જાણવા મળે છે. સૂત્રોમાંથી પ્રાપ્ત
માહિતી અનુસાર માર્ગ અકસ્માતોની સ્થિતિમાંથી બહાર આવવા માટે વ્યસ્ત રહેણાક વિસ્તારો, શાળાઓની આસપાસના ઝોન અને બજાર વિસ્તારમાં હવે
વાહનો માટે 30 કિલોમીટર
પ્રતિ કલાક સુધીની ગતિ મર્યાદા લાગુ કરાશે. જ્યારે પહોળા રસ્તાઓ અને મુખ્ય માર્ગો પર
45થી 60 કિલોમીટરની મર્યાદા રહેશે.
નોંધનીય છે કે, છેલ્લા દાયકામાં
રાજ્યભરમાં 75 હજારથી વધુ
લોકો માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવી ચૂક્યા છે. 2013થી 2022 દરમિયાનના
ડેટા મુજબ, ગુજરાત દુર્ઘટનાઓની ગંભીર
સ્થિતિ ધરાવતા ટોચનાં રાજ્યોમાં સમાવેશ થાય છે.
તીવ્ર ગતિને લીધે થયેલા અકસ્માતો ઘણીવાર ઘાતક સાબિત થાય છે. 80 કિલોમીટરથી વધુ ઝડપે અકસ્માત થવા પર મૃત્યુની શક્યતા 20 ગણી વધી જાય છે. અત્યારે રાજ્ય
સરકારે શહેરના વિવિધ ઝોન પ્રમાણે નવા સ્પીડ નિયમો લાદવા માટે માર્ગ વ્યવસ્થાની સમીક્ષા
શરૂ કરી છે. રિંગરોડ, નાની શેરીઓ
અને ડિવાઈડર વગરના માર્ગો માટે અલગ-અલગ નિયમો ઘડાશે. અત્યાર સુધીના નિયમો અનુસાર શહેરમાં કાર માટે 70 કિલોમીટર, મોટર બાઈક માટે 60 કિલોમીટર અને ટુ વ્હીલર્સ માટે
50 કિલોમીટરની ગતિ મંજૂર હતી, હવે રાજ્ય સરકાર જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રૂલ્સ
(જીડીસીઆર)માં ફેરફાર કરી સ્પીડ કન્ટ્રોલ ઝોનની રૂપરેખા તૈયાર કરી રહી છે.