• ગુરુવાર, 03 જુલાઈ, 2025

જાણ કર્યા વિના ભુજ-રાજકોટ ટ્રેન બંધ

ભુજ, તા. 2 : છેલ્લા બે-ત્રણ દિવસથી ભુજથી ઊપડતી રાજકોટ પેસેન્જર ટ્રેન કોઇ પણ જાતની જાણ વગર એકાએક બંધ કરી દેવાતાં સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોને ભુજ મથક ઉપર ધરમના ધક્કા પડે છે અને પ્રવાસીઓ પરેશાની ભોગવી રહ્યા છે. રાજકોટથી રવિવારે બપોરે 2.35 વાગ્યે ઊપડેલી ભુજ તરફની ટ્રેન રાત્રે 9.40 વાગ્યે ભુજ રેલવે મથકે આવી હતી. ત્યારબાદ એકાએક રેલવે પ્રશાસન દ્વારા કોઇ પણ જાતની જાણ કર્યા વગર એ ટ્રેન બંધ કરી નખાઈ હતી. છેલ્લા બે-ત્રણ દિવસ ઘણા મુસાફરો વહેલી સવારે માલ-સામાન સાથે રાજકોટ અને વચ્ચે આવતા સ્ટેશનોના પ્રવાસ માટે પહોંચી આવે છે, પછી ખબર પડે છે કે, ગાડી તો બંધ થઇ ગઇ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રેન બંધ કરવાનું કારણ ટ્રાફિક ઓછો મળતો હેવાની શક્યતા છે, ત્યારે લોકો એમ પણ કહી રહ્યા છે કે, તો ટ્રેન બંધ કરવા કરતાં એ ગાડીને દ્વારકા સુધી લંબાવવામાં આવે, તો જામનગર સહિતના પ્રવાસીઓને લાભ મળી શકે તેમ છે. દ્વારકા મોટું સૌરાષ્ટ્રનું યાત્રાધામ છે, ત્યારે કચ્છથી અનેક ભક્તો દ્વારકાધીશનાં દર્શને જતા હોય છે, તેઓ આ ટ્રેનમાં મુસાફરી કરી શકે, તો ટ્રાફિક પ્રશ્ન હલ થઇ શકે તેમ છે. ટ્રેન બંધ થઇ તેની જાણ એજન્ટોને ત્યારે થઇ જ્યારે રાજકોટ માટેની બુકિંગની સેવા ચાલુ કરી, કોમ્પ્યુટરમાં વેબસાઇટ ઉપરથી માહિતી મળી કે ટ્રેન તો બે-ત્રણ દિવસથી બંધ છે, તેવું  રેલવે ટિકિટનું બુકિંગ કરતા નીલેશ ગોરે કહ્યું હતું. કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતી એકમાત્ર ટ્રેન બંધ થવા અંગે રેલવે સ્ટેશનના મેનેજર કે.કે. શર્માનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, ભુજ-રાજકોટ ટ્રેન તા. 30/6/2025 સુધી જ ચાલુ રાખવાની જાહેરાત કરાઇ હતી. આગળ ચાલુ કરવી કે બંધ એ વડી કચેરીથી જાણી શકાય તેમ છે. 

Panchang

dd