• રવિવાર, 16 જૂન, 2024

ચૂંટણી બ્લેક મની મુક્ત થશે ?

રાજકીય પ્રવાહો - કુન્દન વ્યાસ : મોદી સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં ભ્રષ્ટાચાર અને બ્લેક મની સામે જંગ છેડયો છે. ઈડી દ્વારા દેશભરમાં દરોડા પડી રહ્યા છે તેની સામે લગભગ તમામ વિપક્ષી નેતાઓએ કાગારોળ મચાવી અને ઈન્ડિ મોરચો બનાવ્યો. ઈડીની કાર્યવાહીમાં નેતાઓના - અલીબાબાના ખજાનાઓ ખુલ્યા અને કરોડો, અબજો રૂપિયા - રોકડા મળ્યા છે. બંગાળ અને ઝારખંડમાં જંગી રકમ પકડાયા પછી તેની ગણતરી કરતાં મશીનો પણ થાકી ગયાં અને ભરવા માટે કોથળા ઓછા પડયા અને બજારમાં પણ ખૂટી ગયા ! ભ્રષ્ટાચાર જનતા અને દેશના ભોગે થાય છે. સરકારી નોકરી આપવાના કૌભાંડ થયાં છે. શિક્ષકોને નોકરી આપીને કમિશન પેટે કરોડો રૂપિયા પડાવી લેવાયા છે. કાર્યવાહીમાં દરોડાનાં દૃશ્યો ટી.વી. ઉપર લાઇવ જોવાં મળ્યાં છે. ગમે તેમ પણ હવે તમામ વિપક્ષી નેતાઓ ઈડીનું નામ બંધ કરીને સંવિધાન બચાવવામાં લાગી ગયા છે ! વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો જાહેર કર્યું છે કે પાંચ વર્ષ ટ્રેલર જોયા પછી હવે મોટી ફિલ્મ જોવા મળશે - ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને ખતમ કરવા માટે વ્યાપક સપાટો બોલાવાશે. મોદી ઈડીની કાર્યવાહીનો વિગતવાર અહેવાલ સંસદનાં સત્રમાં રજૂ કરે એવી પાકી શક્યતા છે. શ્વેતપત્ર - વ્હાઇટ પેપરમાં નામ - ઠામ અને પકડાયેલાં નાણાં ખજાનાની વિગત સમગ્ર દેશ સમક્ષ રજૂ કરવી જોઈએ. જનતાનાં નાણાંની લૂંટના પૈસા જનતાને વિકાસ અને રાહત માટે પાછાં મળે માટે કાનૂની માર્ગ પણ વિચારાય છે. ઇલેક્ટોરલ બોન્ડનો લાભ તમામ રાજકીય પક્ષોએ લીધો છે અને સુપ્રીમ કોર્ટના આદેશથી માહિતી જાહેર થઈ તેવી રીતે બ્લેક મનીના ભ્રષ્ટાચારીઓની વિગત જનતાને મળવી જોઈએ. ઈડીના દરોડા ચૂંટણી દરમિયાન પણ પડયા છે. ચૂંટણીપંચના આદેશ અનુસાર કોઈપણ વાહનમાં ચૂંટણીના ઉમેદવાર અથવા કાર્યકર પાસે રૂા. પચાસ હજારથી વધુ રોકડ, શરાબ, ડ્રગ્સ, હથિયાર અથવા રૂા. 10 હજારથી વધુ કિંમતની ગિફ્ટ આઇટમ પકડાય તો તે તાત્કાલિક જપ્ત થાય અને તપાસમાં એમ જણાય કે ચૂંટણી સંબંધિત નથી તો પરત કરવામાં આવે છે. લોકસભાની એક બેઠકના ઉમેદવારને રૂા. 95 લાખ સુધી ખર્ચ કરવાની મંજૂરી હોય છે, પણ કરોડોનો ખર્ચ થાય છે અને નાણાંની હેરફેર થાય છે. તામિલનાડુમાં તો સ્મશાનયાત્રામાં નકલી મૃત્યુનો અભિનય કરીને નનામી અથવા એમ્બ્યુલન્સમાં કરોડોની હેરફેર પકડાયાના કિસ્સા નોંધાયા છે. તામિલનાડુના વેલ્લોર જિલ્લાના ઉમેદવાર પાસેથી રૂા. 11.5 કરોડ પકડાયા પછી ચૂંટણીપંચે તે બેઠકની ચૂંટણી રદ કરી હતી. ચૂંટણી દરમિયાન બિનહિસાબી બ્લેક મનીના ખજાના ઉપર દરોડા પડે છે અને નાણાં જપ્ત થાય છે. વર્ષ 2022 - 23માં કુલ રૂા. 3400 કરોડ રોકડા અને અન્ય સામાન જપ્ત થયો હતો, જે 2019ની રકમ કરતાં 835 ટકા વધુ હતો એમ ચૂંટણીપંચના કમિશનર રાજીવકુમારે જણાવ્યું છે, પણ ચૂંટણી સંબંધમાં રાજકીય અપક્ષો અને ઉમેદવારો કેટલો ખર્ચ કરે છે, કેટલા ખજાના જપ્ત થયા તેના જે આંકડા આવે છે, તે તો પાશેરીમાં પૂણી જેવા હોય છે ! વર્ષ 2009થી 2014 દરમિયાન થયેલી ચૂંટણીઓમાં કુલ રૂા. 1.5 ટ્રિલિયનનો ખર્ચ થયો હતો અને આમાંથી પચાસ ટકા ખર્ચ બ્લેક મનીમાં થયો હોવાની ગણતરી છે. 2019માં લોકસભાની એક બેઠકના મત વિસ્તારમાં સરેરાશ રૂા. 100 કરોડ - અર્થાત્ એક વોટ માટે રૂા. 700 ખર્ચાયા છે. ચૂંટણીપંચે રૂા. 10,12,000 (ટોટલ ખર્ચના 15થી 20 ટકા)નો ખર્ચ કર્યો હતો. વર્ષ 2000માં 10,000 કરોડ, 2004માં 14,000 કરોડ, 2009માં 20,000 કરોડ અને 2014માં 30,000 કરોડ ખર્ચ થયાના અંદાજિત આંકડા છે. 2024માં લોકસભાની ચૂંટણી માટે રૂા. 1.35 ટ્રિલિયનનો ખર્ચ થવાનો અંદાજ સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના ચેરમેન એન. ભાસ્કર રાવનો છે. 2019ની ચૂંટણીમાં રૂા. 60,000 કરોડ ખર્ચ થયો હતો. રોકડ ખજાના પકડાવા લાગ્યા પછી રાજકીય નેતાઓએ નવા કીમિયા શોધ્યા. ઘોષણાપત્રમાં લોકોને `રેવડી' વેચવાની શરૂઆત થઈ. મફતનો માલ અને લાભ લેવા સૌ તૈયાર હોય , પણ આવી ગેરન્ટી કે વચન ભ્રષ્ટાચાર ગણાય કે નહીં ? વિવાદ પછી સુપ્રીમ કોર્ટની સૂચનાથી ચૂંટણીપંચે રાજકીય પક્ષો પાસે ખાતરી મેળવવા - ઘોષણાપત્રમાં આપેલાં વચનનો અમલ કરવા માટે કેટલો ખર્ચ, ક્યાંથી આવશે અને કેટલા લોકોને લાભ મળશે પ્રસ્તાવ તૈયાર કર્યો છે તેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં હજુ થનારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીને બ્લેક મનીથી મુક્ત કરવાના પ્રયાસ કરી રહ્યા છે, પણ લોકશાહીમાં નાણાંશાહીનો પ્રભાવ ઘટાડવાનું આસાન નથી. 1977 અને 2014 - બંને ચૂંટણીમાં નાણાંશાહી નિષ્ફળ ગઈ હતી, પણ તે પછી `રેવડીબજાર' શરૂ થયાં - `મુફ્ત કા માલ'માં વોટ ખરીદી શરૂ થઈ ગઈ અને રાજકીય પક્ષો વચ્ચે સ્પર્ધા શરૂ થઈ. મૂળ તો છેક વર્ષ 1960માં મદ્રાસના મુખ્યપ્રધાન કે. કામરાજે શાળાઓમાં બાળકોને વિનામૂલ્યે ભોજન આપવાની શરૂઆત કરી ત્યારે આશય વોટ મેળવવાનો નહીં, વિદ્યાર્થીઓ શાળામાં આવતા થાય અને સ્વાસ્થ્ય પણ સુધરે માટેની યોજના હતી અને તેના લાભ જોઈને ધોતી - સાડીથી આગળ વધીને તામિલનાડુમાં જયલલિતાએ ગ્રામ્ય વિસ્તારોમાં બકરી અને ગાય પણ મતદાતાઓને એડવાન્સમાં ભેટ આપવાની શરૂઆત કરી. પછી તો સ્માર્ટ ટી.વી. અને લેપટોપ, સાઇકલ અને મોટરસાઈકલથી મંગળસૂત્રની વહેંચણી થઈ. હવે નેતાઓ વધુ `વ્યવહારુ' બન્યા છે ! આવી છૂટક ભેટ સોગાદના બદલે વીજળી મફત આપવાની શરૂઆત કેજરીવાલે દિલ્હી અને પંજાબમાં કરી છે. જામીન ઉપર છૂટયા પછી એમણે 10 `ગેરન્ટી' આપી છે. અગાઉ ચૂંટણીના ઘોષણાપત્રોમાં `વચન' અપાતાં હતાં, પણ કોંગ્રેસે કર્ણાટકમાં `ગેરન્ટી' શબ્દ વાપર્યા પછી નેતાઓ `ગેરન્ટી' આપવા લાગ્યા      છે ! કેજરીવાલે `સ્પષ્ટતા' કરી છે કે તેઓ વડાપ્રધાનપદના ઉમેદવાર કે દાવેદાર નથી, છતાં એમણે ભારતભરમાં લોકોને મફત વીજળી અને `મોહલ્લા ક્લિનિક'ની ગેરન્ટી આપી છે ! અલબત્ત, કેજરીવાલના ચાવવાના દાંત જુદા છે ! એમણે કહ્યું કે મોદી તો આગલાં વર્ષે નિવૃત્ત થઈને અમિત શાહને વડાપ્રધાન બનાવશે - આમ કહીને લોકોને મોદીનો મોહ નહીં રાખવા ભરમાવ્યા છે? બીજીબાજુ, ઈન્ડિ મોરચામાં પોતે પ્રાદેશિક નહીં - રાષ્ટ્રીય નેતા છે એમ બતાવવા માટે `ગેરન્ટી' આપે છે ! પણ એક ભૂલ કરી બેઠા : મોદી ત્રીજી ટર્મમાં વડાપ્રધાન બને તે પછી નિવૃત્ત થવાનો વખત આવે - કબૂલ કરે છે કે મોદી ત્રીજી ટર્મ મેળવશે ! `મુફ્ત કા માલ'માં વીજળી, શાળા અને સ્વાસ્થ્ય ઉપર એમણે ભાર મૂક્યો છે અને અન્ય પક્ષો પણ હવે રેવડીબજારમાં સ્પર્ધા કરી રહ્યા છે. કર્ણાટક, તેલંગાણા, તામિલનાડુ અને ઉત્તર ભારતનાં રાજ્યો ધાર્મિક યાત્રાની જાહેરાત - ગેરન્ટી આપી રહ્યાં છે. `ફ્રી - બી' અર્થાત્ મફત સુવિધા મેળવવાનું કોને ગમે નહીં ? પણ અર્થતંત્રમાં આવી યોજનાઓથી લાભ થાય છે કે ગેરલાભ તે વિષયની ચર્ચાનો અંત આવતો નથી. મફત વીજળી અને અન્ય સવલતો ભ્રષ્ટાચાર ગણાય ? કે જનકલ્યાણની યોજના ગણવી ? અને તેના ખર્ચનો અંદાજ છે ખરો ? મફત વીજળીનાં કારણે પંજાબ સરકાર ઉપર 55,000 કરોડ રૂપિયાનો બોજ છે. કર્ણાટકમાં 62,000 કરોડનો અંદાજ છે. આટલી રકમ કાયમી વિકાસ યોજનાઓ માટે વાપરી શકાય કે નહીં ? રાજકીય પક્ષ માટે તો લાભાર્થીઓની વોટ બેન્ક ઊભી થાય છે, પણ વધુ છૂટ આપીને પ્રતિસ્પર્ધી પક્ષ પણ જીતી શકે છે. કેજરીવાલે જે જાહેરાતો કરી તેનો લાભ દિલ્હીમાં લોકસભાના ત્રણ કોંગ્રેસી ઉમેદવારોને પણ મળશે - અને આખરે ત્રણ ઉમેદવાર જીતે તો - કોંગ્રેસને છોડીને કેજરીવાલના વફાદાર બનશે ! દસ ગેરન્ટી આપીને કેજરીવાલે કોંગ્રેસની મુશ્કેલી વધારી છે ! કેજરીવાલે વાર્ષિક બે કરોડ લોકોને નોકરી આપવાની ગેરન્ટી આપી છે, જ્યારે કોંગ્રેસનો માત્ર ત્રીસ લાખનો લક્ષ્યાંક છે ! કોરોના પછી મોદી સરકારે વિનામૂલ્યે અનાજ આપવાની શરૂઆત કરી અને યોજના લંબાવવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી કે અમે દસ કિલો અનાજ આપીશું ! પણ પ્રિયંકા વાડરા ગાંધીએ મોદી સરકારની યોજનાની ટીકા કરી કે પાંચ કિલો અનાજથી શું વળે ? તેના બદલે અમે કાયમી નોકરી આપીશું ! ચૂંટણીમાં રાહત, જનકલ્યાણની યોજનાઓની સ્પર્ધા થાય તે આવકાર્ય છે, પણ વોટ મેળવવા માટે આવી જાહેરાતો થાય તે ભ્રષ્ટાચાર ગણાય કે નહીં ? સુપ્રીમ કોર્ટ પણ સ્પષ્ટ ચુકાદો આપવા તૈયાર નથી. 2011માં તામિલનાડુની ચૂંટણી પછી જાહેર હિતની અરજી સ્વીકારીને ચુકાદો આપ્યો કે આવી જાહેરાત ભ્રષ્ટાચાર છે, પણ 2013માં બીજી વખત જાહેર હિતની અરજી આવી, ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જનપ્રતિનિધિ ધારા હેઠળ આવી જાહેરાત `કરપ્ટ પ્રોક્ટિસ' (ભ્રષ્ટાચાર) નથી. આમ છતાં ચૂંટણીપંચને જણાવાયું કે બાબત માર્ગદર્શિકા બહાર પાડો, પણ ચૂંટણીપંચે અસ્પષ્ટ માર્ગદર્શિકા આપી કે રાજકીય પક્ષોએ મફત યોજનાઓનો ખર્ચ કેવી રીતે મેળવાશે તે જણાવવું જોઈએ. વર્ષ 2021માં ફરીથી જાહેર હિતની અરજી આવી, ત્યારે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોના નિષ્ણાતોની અભ્યાસ સમિતિ નિમવા જણાવ્યું, પણ માટે કોઈ પગલાં લેવાયાંનું જાણમાં નથી. સુપ્રીમ કોર્ટ કોઈ ચુકાદો આપવાને બદલે સંસદ બાબતમાં ચર્ચા - વિચારણા કરે એમ ઈચ્છે છે. સંસદે જનપ્રતિનિધિ ધારામાં સુધારો કરીને `મફત'ની યોજનાઓના અમલમાં કેટલો ખર્ચ થાય તેના અંદાજિત આંકડા આપવા જોઈએ - અને ખર્ચને પહોંચી વળવા માટે નવા કરવેરા નાખવામાં આવશે કે મહેસૂલી ખર્ચ ઘટાડવામાં આવશે તે જણાવો, પણ સરકાર મહેસૂલી ખાધ માટે નાણાં પંચે ઠરાવેલી મર્યાદાનો ભંગ નહીં કરે, એવી ખાતરી આપવી જોઈએ, પણ ધારામાં આવો સુધારો કરવા રાજકીય પક્ષોમાં સર્વસંમતિ થાય એવી આશા રાખી શકાય ? ચૂંટણીપંચ શું કરી શકે ? મફત યોજનાઓ બાબત પંચની સત્તા સ્પષ્ટ નથી. એક અભિપ્રાય એવો છે કે પંચ રાજકીય પક્ષોને ફરજ પાડી શકે - તમારી મફત યોજનાઓનો અંદાજિત ખર્ચ જણાવો - અને નાણાં કેવી રીતે મેળવાશે તે પણ જણાવો. બીજો અભિપ્રાય એવો છે કે આવી ઝંઝટ અને વિવાદમાં પડવા કરતાં ચૂંટણી મુક્ત અને નિયમાનુસાર થાય તે ઉપર ધ્યાન આપવું જોઈએ. ચૂંટણીપંચનો પ્રસ્તાવ એવો હતો અથવા છે કે દરેક રાજકીય પક્ષે તેના ચૂંટણી ઘોષણાપત્રમાં દરેક વચન (ગેરન્ટી)ના ખર્ચની વિગત અલગ ફોર્મમાં આપવી જોઈએ અને તે આચારસંહિતાના એક ભાગરૂપે હશે. સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા તૈયાર કરવાનાં આપેલાં સૂચન અનુસાર પંચે તમામ માન્ય રાજકીય પક્ષોને પાઠવેલા સંદેશમાં જણાવાયું કે રાજકીય પક્ષોને ચૂંટણી ઘોષણાપત્ર આપવાનો અધિકાર છે, છતાં વચનોની અનિચ્છનીય અસર મુક્ત ચૂંટણી ઉપર પડે નહીં અને તમામ પક્ષો તથા ઉમેદવારોને `સમાન સુવિધા - છુટછાટ' મળે તે પણ જરૂરી છે. પ્રસ્તાવનો સ્વીકાર અને અમલ કોણ કરે ? કરાવી શકે ?

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang