• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

પૂર્વ કચ્છ આર. ટી. ઓ. કચેરીમાં એ.આઇ. વાહનચાલકોની પરીક્ષા લેશે

અંજાર, તા. 6 : ટેક્નોલોજીના વિસ્તરણ સાથે આપણાં જીવનમાં અનેક પ્રકારના ફેરફાર આવ્યા છે, જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એ.આઈ.)એ દરેક ક્ષેત્રની કામગીરી  સરળ બનાવી છે. સરકારી કચેરીમાં પણ આ ટેકનોલોજીનો સ્વીકાર થયો છે. અંજારમાં આવેલી પૂર્વ કચ્છની આર.ટી.ઓ. કચેરીમાં એ.આઈ. આધારિત  ડ્રાઈવિંગ ટેક કાર્યરત કરાવવાની દિશામાં કામગીરી આરંભાશે. ત્યારબાદ  દરેક વાહનચાલકોની પરીક્ષા એ.આઈ.  સંચાલિત કેમેરાની સાક્ષીએ લેવાશે. અંજાર આર.ટી.ઓ. કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટેકને આધુનિક ટેકનોલોજીથી સજ્જ બનાવવા માટે  ગતિવિધિ આરંભાઈ છે. આ માટે ટેક ઉપર વીજલાઈન તથા થાંભલા નાખવા સહિતની દિશામાં કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે.  અંજાર એ.આર.ટી.  પી.એમ. ચૌધરીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, નજીકના દિવસોમાં ડ્રાઈવિંગ ટેસ્ટિંગ ટેક   એ.આઈ. આધારિત થશે. એ.આઈ. આવવાની સાથે  વધુ પારદર્શિતા આવશે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ટેસ્ટિંગ ટેક ઉપર  તમામ જગ્યાએ કેમેરા મુકાશે. વાહન લઈને પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થી  જ્યારથી  ટેક ઉપર આવશે ત્યારથી બહાર નીકળશે ત્યાં સુધી  તમામ ગતિવિધિ એ.આઈ. સંચાલિત કેમેરામાં કેદ થશે. કેમેરામાં તમામ માપદંડોની ચકાસણી  કરાશે, ત્યારબાદ  પાસ કે નાપાસનું પરિણામ અપાશે. સંભવત: બેથી ત્રણ મહિનામાં  એ.આઈ. આધારિત ટેકની  કામગીરી પૂર્ણ થશે તેવું જાણકારોએ ઉમેર્યું હતું.   

Panchang

dd