ગોલ્ડકોસ્ટ (કૈરારા), તા.પ: ભારત અને ઓસ્ટ્રેલિયાની ચોથી ટી-20 મેચ ગુરુવારે રમાશે. શ્રેણી હાલ 1-1ની બરાબરી પર છે. પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ
હતી. શ્રેણીમાં અત્યાર સુધી અપેક્ષિત દેખાવ ન કરી શકનાર ભારતીય ઓપનર શુભમન ગિલ પર મોટી
ઇનિંગ અથવા તો મેચ વિનિંગ ઇનિંગ રમવાનું દબાણ રહેશે. કેટલાક મહત્વના ખેલાડીઓની અનુપસ્થિતિને
લીધે ઓસ્ટ્રેલિયા ટીમ નબળી પડી છે. આથી સૂર્યકુમાર યાદવની ટીમ જીતીની પ્રબળ દાવેદારના
રૂપમાં મેદાનમાં ઉતરશે. પાછલી મેચમાં જોશ હેઝલવૂડની ગેરહાજરીનું સ્પષ્ટ અંતર નજરે પડયું
હતું. ભારતીય ટીમે 186 રનનો
કઠિન વિજય લક્ષ્યાંક હાંસલ કરીને શ્રેણી બરાબર કરી હતી. હવે ચોથા મેચમાં ટ્રેવિસ હેડની
ગેરહાજરીથી ઓસ્ટ્રેલિયા ટીમ વધુ નબળી પડી છે.
આ બન્ને ખેલાડી એશિઝ સિરીઝની તૈયારી માટે ટી-20 શ્રેણીની બહાર થયા છે. આથી ભારત પાસે ગાબા પર
રમાનાર અંતિમ મેચ અગાઉ 2-1ની
સરસાઇ હાંસલ કરવાનો સારો મોકો છે. જો કે ટીમ ઇન્ડિયાની ચિંતા સ્ટાર બેટધર શુભમન ગિલનું
નબળુ ફોર્મ છે. તે વર્તમાન ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 6 મેચ રમી ચૂક્યો છે, પરંતુ એક પણ અર્ધસદી કરી શક્યો નથી.
વન ડેથી લઇને ત્રીજી ટી-20 મેચમાં
તેનો સ્કોર 10, 9, 24, અણનમ 37, પ અને 1પ
રહ્યો છે. ગિલ ફૂલ લેંથ બોલ સામે મુશ્કેલી અનુભવી રહ્યો છે. ભારત માટે સારી વાત એ છે
કે અભિષેક શર્મા સારા ફોર્મમાં છે. ટીમને તેની પાસે આક્રમક શરૂઆત મળે તેવી આશા રહેશે.
કપ્તાન સૂર્યકુમાર માટે પણ એક મોટી અથવા મેચ વિનિંગ ઈનિંગની જરૂર છે. વોશિંગ્ટન સુંદર
ઓલરાઉન્ડરની ભૂમિકામાં સફળ રહેતા ભારતની બેટિંગ વધુ મજબૂત બની છે. તેણે પાછલા મેચમાં
23 દડામાં અણનમ 49 રન કરી ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઓસ્ટ્રેલિયા ટીમ કપ્તાન મિચેલ માર્શ, ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનસ, ટિમ ડેવિડ
અને જોશ ઇંગ્લીશ પર વધુ નિર્ભર રહેશે. ઓસ્ટ્રેલિયાની ઇલેવનમાં મેકસવેલની વાપસી થઇ શકે
છે. તેને ફિટનેસ સમસ્યા છે. મેચ ગુરુવારે બપોરે 1-4પથી શરૂ થશે.