• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

ગુણવત્તા સભર કચ્છી સાહિત્યને વધુ સ્થાન અપાશે

મોરઝાર, તા. 6 : કચ્છી ભાષા સાહિત્ય સંશોધન પ્રચાર તથા સંવર્ધન હેતુ કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી તથા કચ્છી સાહિત્ય કલા સંઘ વચ્ચે પૂંજલદાદાના અખાડા, મોરઝર ખાતે સમજૂતી કરાર (એમઓયુ) કરાયો હતો. પદ્મશ્રી નારાયણ જોશી `કારાયલ' દ્વારા સ્થાપિત કચ્છી ભાષા સાહિત્યના પ્રચાર પ્રસાર તથા સંવર્ધનક્ષેત્રે કામ કરતી સંસ્થા કલાસંઘના પ્રમુખ દિલીપ રાજા કાપડી તથા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહનભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરાર કરાયા હતા. હરિસાહેબ આશ્રમ હિંગરીયાના મહંત કલ્યાણ દાસજી બાપુએ આ એમઓયુને કચ્છી સાહિત્ય જગત માટે સીમાચિહ્નરૂપ ઘટના ગણાવી હતી. બિબ્બર આશ્રમના મહંત જગજીવનદાસજીએ કચ્છી ભાષા તથા કચ્છી સાહિત્યકારો માટે ધર્મપીઠ હંમેશાં સંવેદનશીલ રહી હોવાનું જણાવતા કરારને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. શ્રી જોશીએ કચ્છી ભાષા સંશોધન પ્રકલ્પ આદાનપ્રદાન, પ્રકાશન તથા નવી પેઢીને કચ્છી સાહિત્યથી અભિમુખ કરવા આ કરાર ફળદાયી નીવડશે તેવી આશા વ્યક્ત કરી હતી. કચ્છ યુનિ.ના કુલસચિવ ડો. અનીલ ગોર તથા ડીન ડો. કાશ્મીરા મહેતા કરારમાં સહભાગી બન્યા હતા. કલાસંઘ એમ.ઓ.યુ. સમિતિના સભ્યો ડો. રમેશ ભટ્ટ, વિશ્રામ ગઢવી, લહેરીકાંત ગરવા, ડો. કોમલબને સચદેએ આ કરારનો કચ્છી ભાષા સંવર્ધનમાં વધુને વધુ લાભ લેવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. કુલપતિ મોહનભાઈ પટેલે સાહિત્ય સેમિનાર પુસ્તક પ્રકાશન સંશોધન ક્ષેત્રે આ કરારને મહત્વનું કદમ ગણાવતા ગુણવત્તા સભર કચ્છી સાહિત્યને વધુને વધુ સ્થાન આપી શકાતા કચ્છી યુનિ.ના સાહિત્યમાં રસ લેતાં વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં આ કરાર મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. વ્યવસ્થા કેતનભાઈ ગઢવી મંત્રી, રાજેન્દ્રસિંહ પલ, સંચાલન સંસ્થાના ઉપપ્રમુખ વિશ્રામ ગઢવીએ કર્યું હતું. તેવું સંસ્થાના કાર્યાલયમંત્રી પાર્થ કાપડીની યાદીમાં જણાવાયું હતું. 

Panchang

dd