શ્રીનગર તા. પ : કાશ્મીર ખીણમાં મંગળવાર સાંજથી હવામાન બદલાયું હતું, જેના કારણે ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી અને મેદાની
વિસ્તારોમાં થોડા થોડા સમયે વરસાદ પડ્યો અને તાપમાનમાં ભારે ઘટાડો થયો છે. હવામાનમાં
અચાનક ફેરફારથી ખીણમાં ઠંડી વધી ગઈ છે. સોનમર્ગ, ગુલમર્ગ,
દૂધપથરી અને યુસમાર્ગના પહાડી વિસ્તારોમાં મોડી સાંજે હિમવર્ષા શરૂ થઈ
હતી, જેથી ખીણો સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ છે. હિમવર્ષાથી પ્રવાસીઓ
ખુશ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સાધના પાસ અને નિયંત્રણ રેખા નજીકના વિસ્તારો
સહિત કુપવાડાના ઊંચા વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ છે. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું
હતું કે બુધવાર સવાર સુધી ખીણમાં વરસાદ અને બરફ પડવાની શક્યતા છે. તાજી હિમવર્ષાને
કારણે ગુલમર્ગ, સોનમર્ગ અને અન્ય પર્યટન સ્થળો પર બરફનું હળવું
સ્તર છવાઈ ગયું છે, જ્યારે તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો
થયો છે.