નવી દિલ્હી, તા. 6 : હિમાલય ક્ષેત્રનાં
ત્રણ રાજ્ય કાશ્મીર, ઉત્તરાખંડ
અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે, જેનાં પગલે દિલ્હી,
ઉત્તરપ્રદેશ સહિત સાત રાજ્યમાં ઠંડક વધવા લાગી છે. ઉત્તરાખંડમાં બદ્રીનાથ
અને કેદારનાથધામ પણ બરફની સફેદ ચાદર નીચે ઢંકાઈ ગયા છે. હિમાચલના ઊંચાઈવાળા વિસ્તારો
લાહૌલ, સ્પિતિ, કિન્નોર, કુલ્લુમાં બરફવર્ષા થઈ હતી. દેશભરમાંથી સહેલાણી સમુદાયે સોળેકળાએ ખીલેલી કુદરતની
સુંદરતાની મજા માણવા પહોંચી ગયો છે. તાબોમાં પારો માઈનસ 2.2 ડિગ્રીએ સરકી ગયો હતો. બીજી
તરફ, પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની અસર મેદાની રાજ્યોમાં
પણ જોવા મળી હતી. આ રાજ્યોમાં ઠંડાગાર પવનોની અસરથી ઠંડી વર્તાતાં શિયાળો શરૂ થઈ ગયો
છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન,
મધ્યપ્રદેશ, પંજાબ અને ઝારખંડ સહિત રાજ્યોમાં હિમવર્ષાના
રોપવાળા ઠંડા પવનોના પગલે તાપમાનમાં ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો આવી ગયો છે. દેશના મોસમ
વિજ્ઞાન વિભાગે એવી આગાહી કરી હતી કે, આ બધા રાજ્યોની અંદર આવનારા
ત્રણ દિવસમાં ઠંડી વધુ જોર પકડશે.