• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

કેન્સરથી ડરો નહીં, લડવાની ઇચ્છા રાખો

પૂર્વી ગોસ્વામી દ્વારા : ભુજ, તા. 6 : એક સમય હતો જ્યારે `કેન્સર' શબ્દ સાંભળતાં જ લોકોના ચહેરા પર ભય અને નિરાશા ઘેરી વળતી, પરંતુ કચ્છમાં અનેક સફળ કિસ્સાઓ છે, જ્યાં કેન્સરે દર્દીને નહીં પણ દર્દીએ કેન્સરને હરાવવાનો સફળ પ્રયાસ કર્યો છે. કચ્છના સંદર્ભમાં કેન્સરની પરિસ્થિતિ જાણીએ. એક સમયે રાજ્યમાં બે મુખ્ય સેન્ટર અમદાવાદ અને રાજકોટ સારવાર લેવા દર્દીઓને લાંબા થવું પડતું, આજે કચ્છમાં જ છેલ્લા દાયકાથી ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલ અને ભુજની કે. કે. હોસ્પિટલ જેવા બે મુખ્ય સેન્ટર મળવાથી દર્દીઓને અનેક વૈકલ્પિક ખર્ચાના બોજમાંથી ઉગારી શકાયા છે. આ સિવાય કવીઓ, એઈમ્સ હોસ્પિટલ, એકોર્ડ, લાયન્સ હોસ્પિટલ, લેવા પટેલ હોસ્પિટલના અવેરનેસ કેમ્પ અને આર્થિક સહાયની સેવાએ નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. - `આયુષ્માન'થી સારવાર સુલભ : પ્રધાનમંત્રી આયુષ્માન યોજનામાં કેન્સરની સારવાર સમાવાઈ હોવાથી જ્યાં પહેલા 20 ટકા દર્દી પૂરી સારવાર લેતા અથવા અધૂરી છોડી અન્ય વિકલ્પો શોધતા, હવે 80 ટકા દર્દી નિયમિત સારવાર લે છે પરિણામે મૃત્યુદર ઘટયો. - જનકલ્યાણ મેડિકલ સોસાયટી : છેલ્લા એક દાયકામાં 5000થી વધુ બ્રેસ્ટ કેન્સરના ક્રીનિંગ કેમ્પ અને કેન્સરની જાગૃતિ સાથે મોંઘીદાટ સારવારનો દાતાના સહયોગથી સેવા આપતી માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવીએ જણાવ્યું કે, છેલ્લા 32 વર્ષથી આરોગ્ય સેવામાં કાર્યરત છીએ, વર્ષ 2009માં 16 બેડની નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસીસ સેન્ટર ખુલ્યા બાદ સેવા વિસ્તરી છે. - `મારે જીવવું છે' એક વાક્ય જે અનેક જીવ બચાવે છે. : 1987માં કેન્સરની જાણ થતાં ભુજના એક સામાન્ય જીવન જીવતા યુવકે છેક મુંબઈ જઈ સારવાર લીધેલી. મારે જીવવું છે એવી પ્રબળ ઈચ્છાશક્તિએ દર્દી આજે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. - પિતા-પુત્ર બન્નેનો કેન્સર સામે સંઘર્ષ : ભુજની જી.કે. હોસ્પિટલની બ્લડ બેંકમાં ફરજ બજાવતા દર્શન ચંદ્રકાંત રાવલે બબ્બે વખત કેન્સરને માત આપી છે. પુત્રને ડિટેક્ટ થયાના પાંચ વર્ષે પિતા પણ સપડાયા, પરંતુ આજે પરિવારની હૂંફ અને આત્મબળે સ્વસ્થ જીવન જીવે છે. - 18 વર્ષના યુવકનો  ચમત્કારિક બચાવ : સામખિયાળીના 18 વર્ષીય યુવાનને બ્લડ કેન્સર સાથે બંને મગજમાં સ્ટ્રોક હતો. વેન્ટિલેટર પર રહીને પણ આયુષ્માનની મદદથી છેલ્લા એક વર્ષથી નિયમિત સારવાર લઈ સ્વસ્થ બન્યો છે. - સંગીત સાધનાથી હીલિંગ : વર્ષ 2020માં બ્રેસ્ટ કેન્સર અને કિડનીની પથરીના એકસામટા બબ્બે ઓપરેશન પછી પણ ભુજના `સંગીત સ્પા'ના સર્જક અને શિક્ષક રીમા ભટ્ટ બીમારીને માત આપી તેમને સંગીત સાધના થકી જીવન જીવવા બળ મળ્યું છે. - કેન્સર સામેનો શાંત સંઘર્ષ : ભુજના 64 વર્ષીય નલિન મોહનલાલ જોશીએ એક દાયકાથી અસંખ્ય શારીરિક પીડા વચ્ચે શાંતિ અને આત્મવિશ્વાસથી કેન્સર સામે લડાઈ લડી છે. - જાગૃતિ મૃત્યુદર ઘટાડશે : ડો. વિકાસ ગઢવી (સુપર સ્પેશિયાલિસ્ટ કે.કે. પટેલ હોસ્પિટલ) - હજુ પણ 30 ટકા દર્દીઓ  : ડર કે સંકોચને કારણે સારવાર માટે આવતા નથી. ત્યારે જાગૃતિ જ મૃત્યુદર ઘટાડવાનો મુખ્ય ઉપાય છે. સ્વસ્થ ખોરાક, ધૂમ્રપાન નિષેધ, પ્રદૂષણમુક્ત વાતાવરણ અને સમયસર નિદાન જ કેન્સર નિવારણની  કુંજી છે. 

Panchang

dd