ગાંધીધામ, તા. 5 : અંજારમાં વ્યાજખોરોએ યુવાનને માર મારીને 1.35 લાખની
માલમતાની લૂંટ ચલાવી હોવાનો મામલો પોલીસ
દફતરે નોંધાયો હતો. બાંધકામનાં કામ સાથે જોડાયેલા અમિતભાઈ જયંતીલાલ ઠક્કરે આરોપી પ્રદીપસિંહ
જાડેજા, મિતરાજ
પ્રદીપસિંહ જાડેજા અને ત્રણ અજાણ્યા શખ્સ વિરુદ્ધ
ગુનો નોંધાવ્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વર્ષ 2023માં
ફરિયાદીએ આરોપી પ્રદીપસિંહ પાસે ત્રણ ટકાના વ્યાજે રૂા. 25 લાખ લીધા હતા. છેલ્લા ચાર મહિનાથી ફરિયાદીની
પરસ્થિતિ સારી ન હોવાથી તે વ્યાજની રકમ આપી
શક્યો નહીં. ત્યારબાદ આરોપી પ્રદીપસિંહે અવારનવાર
ફોન કરીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. વધુમાં આ તહોમતદારે દર મહિને 10 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ લાગશે તેવી વાત કરી હોવાનું ફરિયાદમાં વર્ણવામાં
આવ્યું છે. ઊંચા વ્યાજ સાથેની પઠાણી ઉઘરાણી
વચ્ચે અંજાર ચિત્રકૂટ સર્કલ પાસે ફરિયાદીની ઓફિસે ગઈકાલે રાત્રિના અરસામાં આરોપીઓ આવી
ફરિયાદીને માર મારવા લાગ્યા હતા. છરી વડે થયેલા હુમલામાં આ યુવાનને ઈજા પહોંચી
હતી. આ સ્થળેથી તહોમતદારો ફરિયાદીનો હોનર કંપનીનો
વી-3 મોડેલનો મોબાઈલ ફોન કિં. રૂા. 1.20 લાખ તેમજ ઓફિસમાં કામ કરતા સાવનભાઈ સોનીનો મોબાઈલ
ફોન કિં. રૂા. 15 હજાર
સાથે કુલ રૂા. 1.35 લાખની માલમતાની લૂંટ ચલાવીને પલાયન થયા હતા.
પોલીસે આ વ્યાજંકવાદીઓ વિરુદ્ધ ગુજરાત નાણાંધીરનાર
અધિનિયમની કલમો તળે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે. નોંધપાત્ર છે કે, પૂર્વ કચ્છના જુદા-જુદા વિસ્તારોમાં છાનેછૂપે બિનઅધિકૃત રીતે વ્યાજે નાણાં આપવાનો કારોબાર ધમધમી રહ્યો છે, જેમાં અનેક
લોકો વ્યાજનાં વિષચક્રમાં ફસાતાં હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો.