નલિયા, તા. 6 : ભુજ-નલિયા હાઈવે પર સુખપર
(રોહા) અને સણોસરા વચ્ચે આજે બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ભુજથી નલિયા જતી
એસ.ટી. બસનું સ્ટિયારિંગ ફેઈલ થઈ જતાં બસ રોડ પરથી નીચે ખાબકી હતી, જેનાં પરિણામે આઠથી 10 મુસાફરને નાની-મોટી ઈજાઓ થઈ
હતી. સદ્નસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર ભુજ ડેપોની આ બસ સવારે
10:30 કલાકે ભુજથી નલિયા જવા રવાના
થઈ હતી. બપોરના 12:30 વાગ્યા આસપાસ
જ્યારે બસ સુખપર (રોહા) અને સણોસરા વચ્ચેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક તેનું સ્ટિયારિંગ ફેઈલ થઈ ગયું
હતું. ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં બસ રોડ પરથી નીચે ઊતરી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી.
અકસ્માતનાં પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઉપસ્થિત સણોસરાના સરપંચ પરેશાસિંહ
બનુભા જાડેજા અને અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરાસિંહ જાડેજા સહિતના સ્થાનિકોએ
તાત્કાલિક રાહત અને બચાવકાર્ય શરૂ કર્યું હતું. ઈજાગ્રસ્ત મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં
આવ્યા હતા. ઈજાગ્રસ્તો પૈકી એક મહિલા અને એક બાળકને વધુ ઈજાઓ પહોંચી હતી. તેમને સૌપ્રથમ
મંગવાણા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને વધુ
સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. પરેશાસિંહ જાડેજાએ જણાવ્યું
હતું કે, `સદ્નસીબે
કોઈ મોટી જાનહાનિ થઈ નથી.' - નલિયા ડેપોના વર્કશોપમાં સ્ટાફની અછત : અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલા
એસ.ટી. ડેપોના વર્કશોપ વિભાગમાં મિકેનિકલ સહિતની 15થી 17 જગ્યા સામે
માત્ર ત્રણ જ કર્મચારી ફરજ બજાવી રહ્યા છે. સ્ટાફની તીવ્ર અછત ઉપરાંત, સમયસર વાહનોનું મેઈન્ટેનન્સ અને રિપેરિંગ ન
થવાનાં કારણે તેમજ જરૂરી સ્પેરપાર્ટ્સ જેમ કે ગ્રીસ, ઓઈલ,
કે નાના લોક પણ ઉપલબ્ધ ન હોવાને કારણે અવારનવાર નલિયા ડેપોની બસોમાં
બ્રેક ફેઈલ થવી, રસ્તામાં ઊભી રહી જવી જેવી સમસ્યાઓ સર્જાય છે.
આવી પરિસ્થિતિમાં એસ.ટી. નિગમની `સલામત સવારી' હવે `જોખમી સવારી'માં પરિવર્તિત થઈ રહી છે. પ્રવાસીઓમાં ભારે રોષ
જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ દ્વારા રાજ્ય નિગમને તાત્કાલિક ધોરણે નલિયા ડેપોમાં પૂરતા
કર્મચારીઓ અને જરૂરી માલસામાન મોકલવા તેમજ નવી બસો ફાળવવા માટે સત્વરે કાર્યવાહી કરવાની
માંગ કરવામાં આવી રહી છે.