મુંબઇ, તા.પ : દ. આફ્રિકા સામેની આગામી બે મેચની ટેસ્ટ શ્રેણીની
ભારતીય ટીમમાં વિકેટકીપર ઋષભ પંતનું પુનરાગમન થયું છે જ્યારે અનુભવી ઝડપી બોલર મોહમ્મદ
શમી ફરી એકવાર નજરઅંદાજ થયો છે. ભારત-આફ્રિકા વચ્ચેનો પ્રથમ ટેસ્ટ 14 નવેમ્બરથી કોલકતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન પર
શરૂ થશે. ભારતીય ટીમમાં ઝડપી બોલર આકાશદીપની પણ ઇજા પછી વાપસી થઇ છે. અનુભવી ઝડપી બોલર
મોહમ્મદ શમી ફરી એકવાર ટેસ્ટ ટીમની બહાર છે. રણજી ટ્રોફીમાં તેણે બંગાળ તરફથી શાનદાર
દેખાવ કરીને ફોર્મ અને ફિટનેસ સાબિત કર્યા છે. આમ છતાં મુખ્ય પસંદગીકાર અજીત અગરકર
શમીથી હજુ ખુશ નથી. ટીમમાં મોટાભાગના ખેલાડી તે જ છે જે પાછલી વેસ્ટ ઇન્ડિઝ સામેની
શ્રેણીમાં સામેલ હતા. કરુણ નાયર ફરી પસંદ થયો નથી. તે રણજી ટ્રોફીમાં સારા ફોર્મમાં
રમી રહ્યો છે. જો કે પસંદગી સમિતિએ કરૂણ નાયરના
બદલે દેવદત્ત પડીક્કલ અને ધ્રુવ જુરેલ જેવા યુવા ખેલાડી પર ભરોસો મુકવાનું પસંદ કર્યું
છે. ભારત-આફ્રિકા વચ્ચેનો બીજો ટેસ્ટ ગુવાહાટીમાં 22 નવેમ્બરથી રમાશે. આ પછી 6 ડિસેમ્બરથી 3 મેચની વન ડે શ્રેણી શરૂ થશે. ભારતીય ટેસ્ટ ટીમ: શુભમન
ગિલ (કેપ્ટન), ઋષભ પંત (ઉપ કપ્તાન-વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ,
કેએલ રાહુલ, સાઇ સુદર્શન, દેવદત્ત પડીક્કલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશકુમાર
રેડ્ડી, મોહમ્મદ સિરાઝ, કુલદીપ યાદવ અને
આકાશદીપ.