• રવિવાર, 14 જૂન, 2026

ગિલ (84*)ની કેપ્ટન ઈનિંગ, ભારતનો વિજયી પ્રારંભ

ધરમશાલા, તા. 13 : અણનમ અર્ધસદી કરનાર શુભમન ગિલ (84)ની કમાલની કેપ્ટન ઈનિંગના બળે ભારતે શનિવારે પ્રવાસી અફઘાનિસ્તાન સામે સાત વિકેટે શાનદાર જીત મેળવી હતી. અફઘાને આપેલું 195નું લક્ષ્ય 13 દડા બાકી હતા ત્યારે જ ટીમ ઈન્ડિયાએ આસાનીથી આંબી લીધું હતું. અને ત્રણ વન-ડેની શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી હતી. વરસાદના કારણે ટૂંકાવીને 25-25 ઓવરના કરી દેવાયેલા મુકાબલામાં વન-ડે ક્ષેત્રે પદાર્પણ કરનાર ગુરનુર બરાર અને હર્ષ દુબેએ ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી. ભારતીય ટીમે આજે 2027ના વન-ડે વિશ્વકપની તૈયારીની વિજયી શરૂઆત કરી હતી. આઠ ચોગ્ગા, આઠ છગ્ગા સાથે માત્ર 51 દડામાં 102 રન કરનાર રહમાનુલ્લાહ ગુરબાઝની સદી અફઘાન ટીમને જીત અપાવી શકી નહોતી. રાહુલે ગિલ સાથે સામો છેડો સાચવીને 19 દડામાં ચાર ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે અણનમ 39 રન કરતા મહત્વનું યોગદાન આપ્યું હતું. જીત માટે 195 રનના લક્ષ્યનો પીછો કરતા રોહિત શર્માની વિકેટ વ્હેલી પડી હતી. રોહિત 16 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. બાદમાં ઈશાન કિશન અને ગિલ વચ્ચે મહત્વની 70 રનની ભાગીદારી થઈ હતી. જો કે ઈશાન 34 રને આઉટ થયો હતો. બાદમાં શ્રેયસ અય્યર પણ 12ના અંગત સ્કોરે પેવેલિયન પરત ફર્યો હતો. અહિંયાથી ગિલ સાથે કેએલ રાહુલે બાજી સંભાળી હતી. બન્નેએ મળીને ટીમને જીત અપાવી હતી. ગિલ અને રાહુલ વચ્ચે અર્ધસદીની ભાગીદારી થઈ હતી અને ગિલ 84 રને તેમજ કેએલ રાહુલ 39 રને નોટઆઉટ રહ્યા હતા. આ અગાઉ અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતા 24.5 ઓવરમાં 194 રન કર્યા હતા અને ટીમ ઓલઆઉટ થઈ હતી. અફઘાનિસ્તાન તરફથી રહમાનુલ્લાહ ગુરબાઝે ધમાકેદાર ઓપનિંગ કરી હતી અને માત્ર 51 બોલમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 102 રન કર્યા હતા. આ ઉપરાંત હસમતુલ્લાહ શાહિદીએ 27 અને અઝમતુલ્લાહ ઉમરઝઈએ 26 રનનું યોગદાન આપ્યું હતું. અફઘાન ટીમ તરફથી અન્ય કોઈ ખેલાડી બે અંક સુધી પહોંચી શક્યો નહોતો. આ મેચમાં ડેબ્યુ કરનારા ગુરનૂર બરાર અને હર્ષ દુબે બન્નેને ત્રણ-ત્રણ વિકેટ મળી હતી. જ્યારે અર્શદીપસિંહ અને નિતિશ કુમાર રેડ્ડીએ 2-2 શિકાર કર્યા હતા.  

Panchang

dd