નખત્રાણા, તા. 13 : ઉનાળાનું વેકેશન પૂર્ણ થતાં
શૈક્ષણિક વર્ષ 2026/27 માટે ધો. 1થી 12 સુધીના પાઠયપુસ્તકો-શૈક્ષણિક સાધનો ખરીદવા છાત્રો તથા વાલીઓમાં
દોડધામ મચી છે. શાળા ખૂલ્યા છતાં ગુજરાતી માધ્યમ ધો. 11નાં પાઠયપુસ્તકો ઉપલબ્ધ ન થતાં અભ્યાસ પર
માઠી અસર થવાની ભીતિ વ્યક્ત કરાઇ છે. અમુક ધોરણમાં પુસ્તકો બદલાતાં ખરીદવામાં વિસંગતતાની
ફરિયાદ ઊઠી હતી. નખત્રાણાની એક ઇંગ્લિશ સ્કૂલમાં આંતરરાજ્યના પ્રકાશનોમાં પુસ્તકો અભ્યાસક્રમમાં
ફરજિયાત કરાતાં રૂા. 300થી 400નાં નિર્થક પુસ્તકો ખરીદવા
પડયા હોવાથી વાલીઓ વિમાસણમાં પડી ગયા હોવાનું જણાવાયું હતું. સરકારી પ્રાથમિક તથા માધ્યમિક
શાળાઓમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પાઠયપુસ્તકો નિ:શુલ્ક અપાય છે, પણ ગાઇડો, સ્વાધ્યાયપોથી,
નકશાપોથી, પ્રયોગપોથી, નિબંધમાળા
સહિતનાં પુસ્તકોની કિંમતમાં ગત વર્ષથી 50 ટકાનો વધારો આવ્યો હોવાથી ભણતરનો આર્થિક ભાર વધ્યો હોવાનું વાલીઓ
જણાવી રહ્યા છે. પાઠયપુસ્તકોના વિક્રેતાઓના જણાવ્યા મુજબ કેટલાક વિષયના જૂનાં પુસ્તકો
રદ કરી નવાં પુસ્તકો બહાર પાડયા હોવાથી આ વિષંગતતાઓ વચ્ચે ખાનગી શાળાઓમાં ધો. 1 તથા 2ના ઇંગ્લિશ, ગુજરાત પાઠયપુસ્તકો શાળામાંથી ખરીદવા ફરજિયાત કરાયું હોવાનું નખત્રાણા પુસ્તક
વિક્રેતા સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે, જેની કિંમત રૂા. 2200થી 2300 સુધી થાય છે. શાળાઓમાં ત્રની
ફી સાથે અન્ય ફી ઉઘરાવવામાં આવતી હોવાથી વાલીઓને આર્થિક ફટકો પડયો હોવાનું ઉમેર્યું
હતું. આ સંદર્ભે હાઇકોર્ટનો આવેલ ચુકાદો છતાં તેની પૂર્ણ અમલવારી કરાઇ ન હોવાની ફરિયાદ
વાલીઓ દ્વારા કરાઇ છે.