• રવિવાર, 14 જૂન, 2026

ગાંધીધામના જૂની કોર્ટ રોડનાં નાળાંના ખાડામાં બાઈકસવાર પિતા-પુત્રી પડયા

ગાંધીધામ, તા. 13 : ટાગોર રોડ-ક્રોમા શો-રૂમથી અપનાનગર ચાર રસ્તા સુધી જે વરસાદી નાળાંનું કામ થઈ રહ્યું છે તેમાં નબળી ગુણવત્તા અને દેખરેખનો અભાવ છે. અહીં ખોદેલા ખાડાઓ માનવાજિંદગી માટે અત્યંત જોખમી બની ગયા છે. પાણી પુરવઠા બોર્ડ-જૂની કોર્ટ તરફના માર્ગ ઉપર નાળાંના ખાડામાં બાઈકસવાર પિતા- પુત્રી પડી ગયા હતા. સદ્નસીબે કોઈ ગંભીર અકસ્માત સર્જાયો નથી, પરંતુ પિતા-પુત્રીને ઇજાઓ પહોંચી હતી. આ ખાડાઓ માનવાજિંદગીનો ભોગ લે તેવી સ્થિતિમાં છે. મહાનગરપાલિકાના એન્જિનીયરો અને અધિકારીઓ ઓફિસમાં હોય છે, જ્યાં કામો થઈ રહ્યાં છે ત્યાં નિરીક્ષણનો અભાવ છે. દેખરેખ રાખવામાં આવતી નથી. કામો હલ્કી ગુણવત્તાના થાય છે. ઠેર ઠેર ખાડા ખોદી નાખવામાં આવ્યા છે. તત્કાલીન કમિશનર મનીષ ગુરુવાણીની બદલી પછી કોન્ટ્રાક્ટર મનસ્વી રીતે કામ કરે છે અને તેના ઓઠા હેઠળ દબાયેલા એન્જિનીયરો કોન્ટ્રાક્ટરને કંઈ કઈ શકતા નથી. તેનું પરિણામ લોકોને ભોગવવું પડી રહ્યું હોવાનું લોકો જણાવી રહ્યા છે. જૂની કોર્ટ રોડના વરસાદી નાળાંનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. જ્યાં ખાડા ખોદ્યા છે ત્યાં બેરિકેડ લગાવવામાં આવ્યા નથી, તેનાં કારણે પિતા -પુત્રી અકસ્માતનો ભોગ બન્યા છે. તત્કાલીન કમિશનરે 25-25 લાખના દંડ ફટકાર્યા છે અને તેઓ નિયમિત રીતે સમીક્ષા કરીને પગલાં ભરતાં હતાં. હાલના સમયે આવી કોઈ કામગીરી કે કાર્યવાહી થતી નથી. એન્જિનીયરો ધ્યાન આપતા નથી, ઊલટાનું કોન્ટ્રાક્ટરને પૂછીને એન્જિનીયરો કામ કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો શહેરના જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ મામલે એજેન્સી સામે પગલાં લેવાય તેવી માંગ પ્રબળ બની છે.   નહીંતર ગંભીર અકસ્માતમાં માનવાજિંદગી હોમાઈ જશે. વેપારી એસોસીએશનના પ્રમુખ રજુ ચંદનાનીએ પણ  અકસ્માતની દહેશત વ્યક્ત કરી હતી. ખરેખર થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની એજન્સીઓ તથા મહાનગરપાલિકાના એન્જિનીયરો શું કરી રહ્યા છે તેની સમીક્ષા કરવાની તસ્દી અધિકારીઓએ લેવી જોઈએ તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.  

Panchang

dd