• રવિવાર, 14 જૂન, 2026

વિપક્ષી એકતાની ખરી કસોટી 2029માં

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી વિપક્ષી રાજકારણ વેરવિખેર થઈ રહ્યું હોય એવી સ્થિતિ છે. ચૂંટણીમાં હાર-જીત સ્વાભાવિક હોય છે અને સ્વીકાર્ય હોવી જોઈએ, પણ વિપક્ષોની એકતામાં મોટું ભંગાણ પડયું છે. કોંગ્રેસની આગેવાની હેઠળ `ઇન્ડિ-મોરચો' ઊભો થયો હતો, પણ આ `માંચડા'ના પાયા હચમચી ગયા છે. હવે તેને સ્થિર કરવાના - અને એકતા બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે તે કેવા સફળ થશે તે જોવાનું છે. અલબત્ત, વિપક્ષની એકતાની કસોટી 2029માં થશે અને ત્યાં સુધી સૌને ભેગા રાખવાનો સમય રાહુલ ગાંધીને મળશે, પણ તે પહેલાં સંસદની કાર્યવાહીમાં ભાજપ-એનડીએનું સંખ્યાબળ લગભગ બહુમતીમાં હશે અને મહિલા આરક્ષણ તથા સંસદીય બેઠકોના સીમાંકનને લગતા ખરડા પસાર થઈ શકે છે - જેનો પૂરો લાભ ભાજપ-એનડીએને ચૂંટણીમાં મળશે. ટૂંકમાં - કોંગ્રેસનો ઇન્ડિ મોરચો મોદી સરકારના વિરોધમાં આંદોલનો કરશે, ત્યારે ભાજપ-એનડીએ અર્થતંત્ર અને રાજતંત્રમાં સુધારા કરીને વધુ લોકપ્રિયતા અંકે કરશે. અત્યારની રાજકીય સ્થિતિ હવે 2029માં બદલાશે, ત્યાં સુધી અરાજકતા અને સ્થિરતા વચ્ચે ઘર્ષણ ચાલ્યા કરશે. વિપક્ષ છાવણીમાં ઊથલપાથલની શરૂઆત તામિલનાડુથી થઈ. ડીએમકેનો પરાભવ દેખાયા પછી કોંગ્રેસ - રાહુલ ગાંધીએ રાતોરાત - ઓવરનાઇટ ડીએમકેનો સાથ છોડીને અભિનેતામાંથી નેતા બનેલા જોસેફ વિજયન સાથે સમજૂતી કરી લીધી. આ મૈત્રી કરાર - લીવ ઇન રિલેશનશિપ - માત્ર રાજ્ય સરકારમાં સત્તાની ભાગીદારી પૂરતી નથી. રાહુલ ગાંધીની નજરમાત્ર લોકસભા ઉપર છે. તામિલનાડુમાં જોસેફ વિજયનના નામની બોલબાલા છે, એમના નામે વોટ પડે છે, તેથી કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં વધુ બેઠકો મળશે - એવી ગણતરી મુખ્ય છે. રાહુલ ગાંધીએ આ મહત્ત્વનો નિર્ણય લેવા પહેલાં ઇન્ડિ મોરચાના કોઈ નેતાને વિશ્વાસમાં લીધા નહીં. અલબત્ત, આ નિર્ણય કોંગ્રેસનો, કોંગ્રેસ માટે જ છે તે વાત સાચી પણ ઇન્ડિ મોરચાના એક મજબૂત પાયાને તોડવામાં આવ્યો તેની અવળી અસર વિપક્ષી મોરચા ઉપર, તેની શક્તિ ઉપર પડી છે! આ ઘટનામાં નોંધપાત્ર બાબત એ છે કે ડીએમકેનો સર્વોચ્ચ નેતા - પૂર્વ મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલીને કોંગ્રેસ સાથેના સંબંધ કાપી નાખ્યા છે. લોકસભામાં તેમના સભ્યો કોંગ્રેસથી દૂર બેસનાર છે. મમતા બેનરજીના પરાભવ પછી - એમની વિનંતી સ્વીકારીને ઇન્ડિ મોરચાની બેઠક બોલાવાઈ તેમાં 23 વિપક્ષની હાજરી હતી. ડીએમકે અને `આપ' ગેરહાજર - કોંગ્રેસ - રાહુલ ગાંધીના નવા મિત્ર - જોસેફ વિજયન પણ હાજર ન હતા. એમને મોરચામાં જોડાવાનું આમંત્રણ અપાયું હતું કે નહીં તે બાબત કોઈ સ્પષ્ટતા નથી. આ સમયગાળામાં મુખ્યપ્રધાન વિજયન નવી દિલ્હી આવ્યા અને વડાપ્રધાનની શુભેચ્છા મુલાકાત લીધી અને પછી સોનિયાજીને પણ મળ્યા હતા. ઇન્ડિ મોરચાની બેઠકમાં ડીએમકેની `બાદબાકી' અને બહિષ્કારની ચર્ચા થઈ અને રાહુલ ગાંધીની ટીકા પણ થઈ. ડીએમકેને મનાવી લેવાનું સૂચન થયું, પણ આવી શક્યતા દેખાતી નથી. અન્ય ભાગીદાર પક્ષો - રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ અને સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ રાહુલ ગાંધીની ટીકામાં જોડાયા. ડાબેરી નેતાઓ અને રાહુલ ગાંધી વચ્ચે ટપાટપી થઈ. ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીએ રાજ્યમાં ડાબેરી મોરચા વિરુદ્ધ પ્રચાર કરીને મુખ્યપ્રધાન ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. હકીકતમાં ઇન્ડિ મોરચાના અન્ય - નાના-મોટા પક્ષોને કોંગ્રેસમાં વિશ્વાસ રહ્યો નથી. ગમે તેનો ભોગ લઈ શકાય. વારો આવી શકે એવી શંકા વ્યક્ત થાય છે છતાં સૌ સ્વીકારે છે કે, કોંગ્રેસના કારણે સૌ ભેગા થાય છે ! તામિલનાડુ પછી પશ્ચિમ બંગાળમાં પણ મોટાં ગાબડાં પડયાં છે. લોકસભા અને રાજ્યસભામાં પણ આમ આદમી પાર્ટી પછી ડીએમકે અને તૃણમૂલ કોંગ્રેસમાં મોટાં ભંગાણ પડયાં છે. આ તમામ સભ્યો ભાજપ-એનડીએમાં હજુ જોડાયા નથી, પણ સરકારને ટેકો આપવા તૈયાર છે. તૃણમૂલ કોંગ્રેસના ભંગાણ પછી 28માંથી 20 સભ્ય હવે ચૂંટણીપંચને અરજી કરીને પક્ષના નામ અને નિશાન ઉપર દાવો કરીને - શિવસેનાની જેમ સ્થાન મેળવવા માગે છે. એક વાત મહત્ત્વની છે કે, બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે સત્તા ગુમાવી છે, પણ તેના નામ ઉપર 80 સભ્ય વિધાનસભામાં ચૂંટાયા છે. રાજ્યમાં લગભગ 41 ટકા વોટ મળ્યા છે, તેથી કોંગ્રેસને હજુ આશા છે કે, લોકસભામાં કામ આવશે. લોકસભાની ચૂંટણી 2029માં થશે, પણ તે પહેલાં સંસદમાં સંખ્યાબળ બદલાયાં છે. તૃણમૂલ 20 સભ્ય ઉપરાંત લોકસભામાં ડીએમકેના 22 સભ્ય છે, `આપ'ના સાત મળીને એનડીએની સંખ્યા 293થી વધીને 313 થાય છે. રાજ્યસભામાં તો આરામદાયક બહુમતી થાય છે. વર્ષાસત્રમાં મહિલા આરક્ષણ અને લોકસભાની બેઠક સંખ્યા 530થી વધારીને 830 કરવા માટે ઠરાવને મંજૂરી મળશે એવી ગણતરી છે. એનડીએની સામે ઇન્ડિ બ્લોકની સંખ્યા લોકસભામાં 200થી પણ ઘટી રહી છે. આ સંજોગોમાં મોરચાના ભાગીદાર પક્ષો ચિંતિત છે. ઉત્તર ભારતમાં જમ્મુ-કાશ્મીર, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ, કેરલમ, કર્ણાટક અને તેલંગાણા દક્ષિણમાં બચ્યાં છે, ત્યારે આવતાં વર્ષે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી હશે ત્યારે ઇન્ડિ મોરચો અકબંધ રહેશે? હવે નવો વિચાર વાયરલ થયો છે કે, મમતા બેનરજી - એમના તૃણમૂલ કોંગ્રેસ પક્ષને માતૃસંસ્થા કોંગ્રેસમાં વિલીન કરે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવારે કોંગ્રેસના એકીકરણની શરૂઆત કરવી જોઈએ એવી હિલચાલ છે. અલબત્ત, આ પ્રક્રિયામાં જૂના-નવાનો ગજગ્રાહ કેવી રીતે શાંત થશે? રાહુલ ગાંધીને વિધિસર વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાનું સૂચન પણ છે, જેથી 1969 પહેલાંની કોંગ્રેસ બની શકે ! - નેહરુ અને નરેન્દ્રભાઈ મોદી : આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને નરેન્દ્ર મોદીની સરખામણીનો વિવાદ નિરર્થક છે, નેહરુ કરતાં નરેન્દ્ર મોદીનો શાસનકાળ મોટો - વધુ દીર્ઘ છે તે દિવસોના આંકડાથી પૂરવાર થાય છે, પણ નોંધપાત્ર બાબત એ છે કે, નેહરુને સ્વાતંત્ર્ય સંગ્રામની પાર્શ્વભૂમિકાનો લાભ મળ્યો હતો. કોંગ્રેસ પાસે મહાત્મા ગાંધીના નામની મૂડી હતી, તેથી 1964 સુધી વડાપ્રધાન પદે રહ્યા. આ દરમિયાન કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ હતી અને ચીનની મૈત્રી ઉપર વિશ્વાસ મૂક્યો, વિશ્વાસઘાતનો આઘાત લાગ્યો. નરેન્દ્ર મોદી તો સામાપૂરે લડીને જીત્યા છે. 2014 પછી પણ એમને હરાવવા, હઠાવવાના પ્રયાસ, કાવતરાં થયાં છે અને થઈ રહ્યાં પણ એમની લોકપ્રિયતા સતત વધતી રહી છે. એમની લોકપ્રિયતા ભારતના વિકાસને આભારી છે. એમની નીતિ, નિયમ અને નિષ્ઠા સાથે સબકા વિશ્વાસ - સબકા વિકાસના કારણે એમણે ચૂ ંટણી સાથે લોકોનાં દિલ-મન પણ જીતી લીધાં છે અને ભારત ભાગ્ય વિધાતા બન્યા છે. 

Panchang

dd