ભુજ, તા. 13 : નખત્રાણાનો પટેલ યુવાન વ્યાજખોરીના
વિષચક્રમાં સપડાતાં એક પછી એક મિલકતો હડપવાના ચર્ચાસ્પદ બનાવમાં વ્યાજની પઠાણી ઉઘરાણી
અને માર મારવાના ચર્ચાસ્પદ બનાવના નાસતા-ફરતા આરોપી બળવંતસિંહ-ઉર્ફે બળુભા તગજી સોઢા
(રહે. ખાનાય, તા. અબડાસા)ને નખત્રાણા
પોલીસે અમદાવાદથી ઝડપી પાડયો હતો. આ અંગે નખત્રાણા પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ ગત
તા. 26/3/26ના નખત્રાણા પોલીસ મથકે ફરિયાદી
જિજ્ઞેશભાઈ રૂડાણીએ બળવંતસિંહ ઉપર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ અગાઉ વ્યાજખોરી અને
તેની સામે ફરિયાદ નોંધાવી હોવાના મનદુ:ખમાં માર મારી અને તે બાઈકથી ઊભો હતો ત્યરે મારી
નાખવાના ઈરાદે ગાડી ચડાવવાની કોશિશ કરી હતી. આ કેસમાં નાસતા-ફરતા બળવંતસિંહ અંગે નખત્રાણા
પોલીસને બાતમી મળતાં સર્વેલન્સ ટીમ અમદાવાદ ધસી ગઈ હતી અને ત્યાંથી તેની અટક કરવામાં
આવી હોવાનું પીઆઈ એ. એમ. પટેલે જણાવ્યું હતું. બળવંતસિંહનો ગુનાહિત ઈતિહાસ ખરડાયેલો
છે, તેની ઉપર આઠેક જેટલા ગુના નોંધાયેલા છે.