અમેરિકા અને ઇરાન વચ્ચે વધુ એકવાર યુદ્ધનો રાઉન્ડ શરૂ થયાના
ગણતરીના કલાકોમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે નરમ વલણ લીધું છે. અમેરિકી પ્રમુખે કહ્યું છે કે, તેહરાન સાથે લડાઇ પોતે બંધ કરી રહ્યા છે અને
બહુ જલ્દી સંધિ થઇ જશે. બીજી તરફ ઇરાને પણ હોર્મુઝ ખાડી ખોલી નાખવાના સંકેત આપ્યા છે.
લાંબા સમયથી સર્જાયેલો તનાવ હળવો થવાની ઉજળી સંભાવનાએ શેરબજારનો મૂડ સુધારી દીધો છે.
શુક્રવારે મુંબઇ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક 1700 અંક ઉછળતાં રોકાણકારોને 10 લાખ કરોડનો ફાયદો થયો છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી જનજીવન અને
પ્રકૃતિ બેહાલ હોય ને વરસાદી વાદળ વરસે ત્યારે કેવી રાહત અનુભવાય એવું જ કંઇક શ્રીમાન
ટ્રમ્પના હળવા બનેલા મિજાજ પછી જણાઇ રહ્યું છે, પરંતુ આ વાદળ રાહતનાં છે કે નહીં એ કહેવું અનિશ્ચિતતાભર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ
ઇરાન સામેનાં યુદ્ધ પછી ત્રીસથી વધુ વાર ડીલ કે સમજૂતીનું એલાન કરી ચૂક્યા છે. `અભી બોલા અભી ફોક' કરવું એમના માટે નવી વાત નથી. ટ્રમ્પની માન્યતા
કે ધારણા કે પ્રસ્તાવને ઇરાન કઇ રીતે સ્વીકારે છે એ જોવું મહત્ત્વનું બની રહેશે. ટ્રમ્પ
ઇરાન પાસેથી હોર્મુઝ જળમાર્ગ વિનાશરત ખુલ્લો મુકાય અને પરમાણુ કાર્યક્રમ પડતો મુકાય એવી ખાતરી માગી રહ્યા
છે, જેનો તેહરાનના શાસકો તરફથી ઇન્કાર થતો આવ્યો છે. આ લખાય છે
ત્યારે ઇરાની વિદેશમંત્રીએ પણ હકારાત્મક પ્રતિસાદમાં જણાવ્યું છે કે, સમજૂતી તરફ આગળ વધી રહ્યા છીએ અને બહુ જલ્દી જાહેરાત કરવામાં આવશે. ટ્રમ્પ
કેવા અણધાર્યા છે એનો ખ્યાલ એ વાત પરથી આવશે કે, હજુ ગુરુવારે
રાત્રે જ તેમણે ઇરાનને નેસ્તનાબૂદ કરવાની આકરી ધમકી આપી હતી. ગુરુવારે સવારે જ અમેરિકાએ
ઇરાન પર હવાઇ હુમલા કર્યા હતા. જેના જવાબમાં ઇરાને બહેરીન, કુવૈત
અને જોર્ડનને નિશાન બનાવતાં મિસાઇલ-ડ્રોન છોડયાં હતાં. અખાતી દેશના કુલ 18 સ્થાનો ઇરાનનું લક્ષ્ય બન્યાં
હતાં. અમેરિકા-ઇઝરાયલની સંયુક્ત શક્તિને પહોંચી વળવું ઇરાન માટે લાંબાગાળે શક્ય ન જ
હોય, છતાં તેણે પોતાની વ્યૂહાત્મક પરિસ્થિતિનો ફાયદો
ઉઠાવીને લશ્કરી આક્રમણનો લગાતાર મજબૂત જવાબ આપ્યો છે. અમેરિકી રક્ષાકવચ હેઠળ રહેલા
અખાતી દેશોમાં અમેરિકી થાણાઓ અને રિફાઇનરીઓને નિશાન બનાવીને ઇરાને ટ્રમ્પ પર દબાણ અજમાવ્યું
છે. અમેરિકાએ પણ યુદ્ધમાં આર્થિક અને વિમાન-ડ્રોન
સહિત સંરક્ષણ સરંજામને ભારે નુકસાન સહન કરવું પડયું છે. ઇઝરાયલની લડાઇમાં ટ્રમ્પ કૂદી
પડયા અને લશ્કરી મોરચે ભારે ખુવારી સહન કરવી પડી એનો ટ્રમ્પ વહીવટીતંત્રના ભાગીદારો
અને અમેરિકી જનતા જવાબ માગી રહી છે. તાજેતરના એક સર્વેક્ષણ મુજબ ટ્રમ્પની લોકપ્રિયતામાં
ખાસ્સો એવો ઘટાડો થયો છે. ઇરાન સાથેનાં યુદ્ધથી જાન-માલની ખુવારી તો થઇ છે, પણ વિશ્વની શાંતિ હણાઇ ગઇ છે. તેલ-ગેસ
કટોકટી અને ભડકે બળતા ઇંધણના ભાવની તીવ્ર અસરથી વિકાસશીલ અને વિકસિત દેશો પણ પરેશાન
છે. ટ્રમ્પના આ વખતની શાંતિ માટેની ખાતરી ટકાઉ
નીવડે તો દુનિયાને મોટી રાહત થશે.