• રવિવાર, 14 જૂન, 2026

સુથરીના દરિયાકિનારે માનવ કંકાલ મળ્યું

ભુજ, તા. 13 : સામાન્ય રીતે પશ્ચિમ કચ્છના અબડાસા-લખપતના દરિયાકિનારેથી માદક પદાર્થનાં પેકેટો મળતાં હોય છે, તે વચ્ચે આજે સવારે  અબડાસાના સુથરીથી આગળ કડુલી ગામ પાસે દરિયાકિનારે એક માનવ કંકાલ કોહવાયેલી હાલતમાં માછીમારને મળી આવતાં દોડધામ મચી પડી હતી. આ દોડધામ મચાવનારા બનાવ અંગે કોઠારા પોલીસ મથકે સુથરીના માછીમાર એવા શ્રમિક ફકીર હુસેન કોલીએ જાહેર કરેલી વિગતો મુજબ તેણે દરિયાકિનારે માછલી પકડતી જાળ નાખી હતી. આજે સવારે જાળમાં માછલીઓ જોવા જતાં સુથરીના  દરિયાકિનારાથી એક કિ.મી. દૂર કડુલી ગામ બાજુ કિનારે એક અજાણ્યું માનવ કંકાલ કોહવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. માથા વગરના આ કંકાલમાં છાતીના ભાગનાં હાડકાં દેખાય છે તથા કમરના ભાગે કાળા કલરનો ચડ્ડો પહેરેલો છે અને બંને પગના ઘૂંટણના નીચેના ભાગે હાડકાં દેખાય છે. જાહેર થયેલી વિગતના આધારે કોઠારા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ પીઆઈ પી.કે. રાડાએ હાથ ધરી છે. આ અંગે તપાસકર્તા શ્રી રાડાનો સંપર્ક કરતાં કમરના ભાગે કાળો ચડ્ડો પહેરેલો હોવાનું દેખાતાં આ અજાણી લાશ પુરુષની હોવાની શક્યતા સામે આવી છે. ઓળખ જાણવા છાનબીન આદરી છે અને લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે જામનગર એફએસએલમાં રવાના કરવાની તજવીજ આદરી છે. એફએસએલના રિપોર્ટ બાદ તપાસને દિશા મળવાની આશા તેમણે દર્શાવી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ કચ્છના દરિયાકિનારેથી છાશવારે માદક પદાર્થના પેકેટો તથા ડ્રોનના પાંખિયા, કન્ટેનરો વિગેરે મળતા આવે છે. આ વચ્ચે માનવ કંકાલ મળતાં પોલીસની દોડધામ વધી છે. 

Panchang

dd