• રવિવાર, 14 જૂન, 2026

પાકિસ્તાન સામે પીઓકેમાં ઉગ્ર આંદોલન

નવી દિલ્હી, તા. 13 : પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં પાકિસ્તાનની આઝાદીની માંગ બુલંદ કરતાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઊતરી પડયા હતા અને આંદોલન ઉગ્ર બન્યું હતું. દરમ્યાન ચાર દિવસમાં 53 પ્રદર્શનકારી જીવ ખોઇ ચૂકયા છે. પ્રદર્શનકારીઓએ શનિવારે પાક વડાપ્રધાન શાહબાઝ શરીફ, આસીમ મુનીર, રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી, પીઓકેના વડાપ્રધાન ફૈસલ મુમતાઝ રાઠોડને આતંકવાદી લેખાવ્યા હતા. પહેલીવાર એવું થયું છે કે, પીઓકેના દેખાવકારોને ગિલગિટ બાલતિસ્તાનની સાથે જમ્મુ અને લદ્દાખમાંથી પણ સમર્થન મળી રહ્યું છે. પાકિસ્તાનના ક્રૂર શાસનને ચેતવણી આપતાં અવામી એક્શન કમિટીના નેતાઓએ કહ્યું હતું કે, આ સિંધ કે બલુચિસ્તાન નથી. આ કાશ્મીર છે, જ્યાં એક મોત થશે તો લાખો લોકો રસ્તા પર ઊતરી પડશે. પીઓકે પાકિસ્તાનનો હિસ્સો નથી, તે પાકની સરકાર પણ સમજી જાય તો સારું, તેવું દેખાવકારોએ એકીઅવાજે કહ્યું હતું. પાક કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં છેલ્લા ચાર દિવસથી જારી આંદોલન દરમ્યાન 53 પ્રદર્શનકારીનાં મોત થઇ ચૂક્યાં છે. સાથોસાથ આ ચાર દિવસમાં 1100થી વધુ લોકોની ધરપકડ કરાઇ છે. પીઓકેમાં વિધાનસભાની 12 અનામત બેઠકના મામલે વિવાદ વકર્યો છે. આ બેઠકો એ શરણાર્થીઓ માટે છે જે જમ્મુ-કાશ્મીરથી પાકિસ્તાનના અન્ય ભાગોમાં જઇ વસ્યા હતા. પીઓકે સુપ્રીમ કોર્ટે અનામત ખતમ કરવાની માંગ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, બંધારણીય સુધારા સરકાર પાસેથી છીનવાની કોઇ રાહત નથી. 

Panchang

dd