ગાંધીધામ, તા. 13 : બોર્ડ ઓફ સ્ટડીઝ, આઈસીએઆઈ આયોજિત નેશનલ ટેલેન્ટ સર્ચનું ગાંધીધામ
ડબલ્યુ.આઈ.સી.એસ. એ. દ્વારા કરવામાં આવ્યું હતું. સીએના વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને
પ્રોત્સાહિત કરવાનો અને તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવા તેમજ અભ્યાસ સાથે સાથે સહપાઠય
પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થીઓ સક્રિય ભાગ લેવા માટે પ્રેરિત થાય તે માટે આ આયોજન કરવામાં
આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત તેના વિદ્યાર્થીઓ
માટે વક્તૃત્વ સ્પર્ધા, પીચ ડેક, પ્રશ્નોત્તરી,
ચેસ, ચિત્ર સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી. આ અંગે
ગાંધીધામ બ્રાન્ચના ચેરમેન સીએ ચિરાગ આચાર્ય અને તેમની ટીમે ઉપસ્થિત રહીને માર્ગદર્શન
આપ્યું હતું. ગાંધીધામ ડબલ્યુઆઈસીએસએના ચેરમેન સીએસ સમીર મહેતાએ વિદ્યાર્થીઓના સર્વાંગી
વિકાસ માટે આવી પ્રવૃત્તિઓ અત્યંત મહત્ત્વપૂર્ણ છે તેમ કહીને પ્રોત્સાહિત કર્યા હતા
અને આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સક્રિય પણે જોડાવા અનુરોધ કર્યો હતો. સ્પર્ધાનું મૂલ્યાંકન
વિવિધ ક્ષેત્રના અનુભવી નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું હતું. સીએ ચેતન સોનારીવાલ,
સીએ કરણ ઠક્કર, જિનલ મહેતા, સીએ જાગૃતિ શાહે વિવિધ સ્પર્ધાઓમાં જજ તરીકે સેવા આપી હતી. આ કાર્યક્રમમાં
40થી વધુ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો, સ્પર્ધાના વિજેતાઓ હવે ગાંધીધામ બ્રાન્ચનું
જોન લેવલની સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ કરશે અને બ્રાન્ચનું ગૌરવ વધારશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો. કાર્યક્રમને સફળ
બનાવવા માટે કમિટીના સભ્યો દ્વારા સેવા આપવામાં
આવી હતી.