ભુજ, તા. 13 : નખત્રાણા તાલુકાના દેવીસર નજીક
જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં
રેતીના ખનીજનું ઓવરલોડ પરિવહન કરતા ચાર આઇવા ટ્રકો જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત
વિગતો મુજબ જી.જે. 12 બી.ઝેડ. 6007, જી.જે. 12 બી.એક્સ. 7007, જી.જે. 12 બી.ઝેડ. 7007 અને જી.જે. 12 સી.ટી. 7007 નંબરના વાહનોની તપાસ દરમિયાન
રોયલ્ટી પરમિટ અને વજનકાંટાની વિગતો ચકાસવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ 51.93 મેટ્રિક ટન રેતીનું ઓવરલાડિંગ
હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ મામલતદાર નખત્રાણા અને તેમની ટીમ દ્વારા જપ્તીની
કાર્યવાહી હાથ ધરી હતી. અંદાજે રૂ. 2.29 કરોડથી વધુના મુદામાલ સાથે વાહનો જપ્ત કરી નખત્રાણા પોલીસ સ્ટેશનના
કબ્જે સોંપવામાં આવ્યા હતા. સ્થાનિક સ્તરે
ચર્ચા ચાલી રહી છે કે જપ્ત કરાયેલા ડમ્પરો મોટાગજાના અગ્રણીના હતા. આ પ્રકરણની આગળની
વિગતો તપાસમાં ખુલે તેવી સંભાવના જોવાઇ રહી છે. બીજીતરફ આજે બપોરે નખત્રાણાના કોટડા
(જ.) મથલ ધોરીમાર્ગ પર પસાર થતા બ્લેકટ્રેપ (ખનિજ) વહન કરતા ડમ્પર નં. જી.જે. 12 સી.ટી. 7851ને પણ તંત્રે અટકાવી ચકાસતાં
19.84 મેટ્રિક ટનનું ઓવરલોડિંગ જણાતાં
જપ્તી સહિતની કાર્યવાહી થઇ હતી. ટ્રકની અંદાજિત કિં. રૂા. 35 લાખ સહિત કુલે રૂા. 37,15,200નો મુદ્દામાલ સીઝ કરી નખત્રાણા
પોલીસને કબજો સોંપાયાનું મામલતદાર આર. ડી. પટેલની યાદીમાં જણાવાયું છે.