• શનિવાર, 13 જૂન, 2026

ટીમ ઇન્ડિયા વર્લ્ડકપની તૈયારી શરૂ કરશે

ધર્મશાલા, તા.12 : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ મેચની વન ડે શ્રેણીનો પહેલો મુકાબલો શનિવારે ધર્મશાલામાં રમાશે. આ સાથે જ ટીમ ઇન્ડિયા આવતા વર્ષે રમાનાર વન ડે વર્લ્ડ કપની તૈયારીનો પ્રારંભ કરશે. અફઘાનિસ્તાન વિરુદ્ધની શ્રેણીમાં રોહિત શર્માની ફિટનેસની ટેસ્ટ થશે અને ઇજાગ્રસ્ત હાર્દિક પંડયાના બેકઆપના રૂપમાં નીતિશકુમાર રેડ્ડીના પ્રદર્શન પર નજર રહેશે જ્યારે ઇશાન કિશન અને નવોદિત ઝડપી બોલર પ્રિંસ યાદવ વન ડે ટીમમાં તેની જગ્યા નિશ્ચિત કરવા માંગશે. આ શ્રેણી ટીમ ઇન્ડિયાની ભવિષ્યની યોજના માટે મહત્વની માનવામાં આવે છે. પસંદગીકારોની નજર 2027 વન ડે વર્લ્ડ કપની સંતુલિત અને સર્વશ્રેષ્ઠ ટીમ પસંદ કરવા પર છે. 39 વર્ષીય રોહિત શર્મા વન ડે વર્લ્ડ કપ સુધી ટીમમાં ટકી રહેશે કે નહીં ? તે વિશે ઘણા સવાલ થઇ રહ્યા છે. આ માટે આ અનુભવી ઓપનિંગ બેટરે તેની ફિટનેસ ઉપરાંત ફોર્મમાં નિરંતરતા બનાવી રાખવી પડશે. સ્ટાર બેટર વિરાટ કોહલી શ્રેણીની બહાર થઇ ચૂક્યો છે. તેના સ્થાને ઈલેવનમાં ઇશાન કિશનને તક મળી શકે છે. યશસ્વી જયસ્વાલ પણ લાઇનમાં છે.  ટી-20નો નવો કપ્તાન શ્રેયસ અય્યર ચાર નંબર પર અને વન ડે કપ્તાન શુભમન ગિલ ત્રણ નંબર પર ફિકસ છે. વિકેટકીપર રાહુલ અને નીતિશ કુમાર મધ્યક્રમમાં હશે. નવા ખેલાડીઓમાં ઝડપી બોલર પ્રિંસ યાદવ અને સ્પિનર હર્ષ દુબેને પદાર્પણની તક મળી શકે છે. બુમરાહ-સિરાજની ગેરહાજરીમાં પ્રસિદ્ધ કૃષ્ણા અને અર્શદીપ ઝડપી બોલિંગ આક્રમણની કમાન સંભાળશે. એકમાત્ર ટેસ્ટની એક દાવ અને 300 રનની કારમી હાર બાદ અફઘાનિસ્તાન ટીમ વન ડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયાના પડકારનો સમાનો મજબૂતી કરવા માંગશે. અનુભવી સ્પિનર રાશિદ ખાનની વાપસીથી અફઘાન ટીમને નવું બળ મળ્યું છે. મેચ શનિવારે બપોરે 1-30થી શરૂ થશે. 

Panchang

dd