• રવિવાર, 14 જૂન, 2026

ગુજરાતને સપ્ટેમ્બરમાં નડશે અલ નીનો

અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી) : હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે. નૈઋત્યનું ચોમાસું  આગળ વધી રહ્યું છે, જેને પગલે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની પૂરેપૂરી સંભાવના છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું હાલ મહારાષ્ટ્રથી લઈને બિહાર સુધી આગળ વધી ચૂક્યું છે, જેના કારણે ગુજરાતમાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટી વેગવાન બની છે. હવામાન નિષ્ણાંતના અનુસાર સપ્ટેમ્બર મહિનામાં અલ-નીનોની ઘાતક અસર જોવા મળી શકે છે. જો સપ્ટેમ્બરમાં અલ-નીનો સક્રિય થશે, તો ચોમાસાના  અંતિમ ચરણમાં વરસાદ ખેંચાવાની અથવા નબળો પડવાની પૂરેપૂરી આશંકા છે, જે કૃષિ ક્ષેત્ર માટે ચિંતાનો વિષય બની શકે છે. આગામી 7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, ડાંગ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. હવામાન નિષ્ણાતોના મતે, શરૂઆતના તબક્કામાં દક્ષિણના સરહદી જિલ્લાઓને ઘમરોળ્યા બાદ આ વરસાદી સિસ્ટમ ધીમે-ધીમે આગળ વધશે અને દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ તરફ પ્રયાણ કરશે.15 જૂન બાદ સાનુકૂળ સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત તરફ ચોમાસાની પ્રગતિ ફરી શરૂ થઈ શકે છે. બીજી બાજુ નિષ્ણાતોએ રાજ્યમાં ચોમાસાની વર્તમાન સ્થિતિને લઈને એક અત્યંત ચિંતાજનક નિવેદન આપ્યું છે. તે અનુસાર હાલમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ વાતાવરણ નથી અને સપ્ટેમ્બર મહિનામાં ઘાતક અલ-નીનો સક્રિય થવાની મોટી ભીતિ સેવાઈ રહી છે.  સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી પહોંચી જતું ચોમાસું હાલ પૂરતું અટકી ગયું છે. અંબાલાલ પટેલે ખુલાસો કર્યો છે કે, હાલમાં અરબ સાગર જોઈએ તેટલો સક્રિય નથી.  અરબ દેશોમાંથી આવી રહેલા ગરમ અને સૂકા પવનોના કારણે ચોમાસાની જે સિસ્ટમ બની હતી તે નબળી પડી ગઈ છે. આ જ કારણ છે કે, મુંબઈમાં ચોમાસાની ગતિ થંભી ગઈ છે. 

Panchang

dd