કુકમા (તા. ભુજ), તા. 24 : ગુજરાત રાજ્ય
હોમગાર્ડ રમતોત્સવ-2026માં પશ્ચિમ
કચ્છ જિલ્લાના કુકમા હોમગાર્ડ યુનિટના સાગર પરમારને 200 મીટર રનિંગ તથા લાંબીકૂદમાં
પ્રથમ ક્રમાંક મેળવવા બદલ ગુજરાત સરકારના મંત્રી કમલેશ પટેલ દ્વારા સન્માનિત કરવામાં
આવ્યા હતા. `ફીટ ગુજરાત હિટ ગુજરાત' અંતર્ગત હોમગાર્ડ રાજ્યકક્ષા રમતોત્સવ-2026 યોજાયો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી હજારો હોમગાર્ડ મહિલા
તેમજ પુરુષ સભ્યે ભાગ લીધો હતો. સૌપ્રથમ જિલ્લાકક્ષાએ અને ઝોનકક્ષાએ રમતોત્સવના આયોજન
બાદ ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, મધ્ય ઝોન અને
સૌરાષ્ટ્ર ઝોન વચ્ચે રાજ્યકક્ષાનો રમોત્સવ યોજવામાં આવ્યો હતો. આ રમતોત્સવનું સમાપન મુખ્ય મહેમાન ગુજરાત સરકારના
મંત્રી કમલેશ પટેલ (નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ સરહદી સુરક્ષા ગૃહ રક્ષક દળ અને ગ્રામરક્ષક દળ) તથા હોમગાર્ડના કમાન્ડન્ટ
જનરલ સમશેરાસિંહની ઉપસ્થિતિમાં થયું હતું, આ અવસરે ગાંધીનગર ઉત્તરના
ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ તથા સિનિયર સ્ટાફ ઓફિસર મનિષ ત્રિવેદી
તમામ જિલ્લાના કમાન્ડન્ટ પણ હાજર રહ્યા હતા.
આ રમતોત્સવમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં પશ્ચિમ કચ્છ જિલ્લાના કુકમા યુનિટના હોમગાર્ડ સભ્ય સાગર પરમારે પ્રથમ
ક્રમાંક મેળવતાં તેનું મંત્રી કમલેશ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું,
કબડ્ડીમાં ઉત્તર ઝોન વતી પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ ટીમ ઉપવિજેતા
(રનર્સ-અપ) થઈ હતી, જેમાં કુકમા યુનિટના સાગર પરમાર, રવિ ખુંગલા, નવીન કોલી, હેમાંગ
ટાંક, ભરત કોઠીવાર, રામજી ડાંગર,
કલ્પેશ જોષી (પાનધ્રો), પ્રવીણાસિંહ ચૌહાણે ભાગ
લીધો હતો, જે સમગ્ર ટીમનું ઉપસ્થિત મહેમાનો દ્વારા સન્માન કરાયું
હતું. પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડનું નામ રોશન કરવા બદલ તમામ વિજેતાને પશ્ચિમ કચ્છ
જિલ્લા કમાન્ડન્ટ મનિષ બારોટે અભિનંદન પાઠવ્યા હોવાનું કુકમા હોમગાર્ડ યુનિટના ઓફિસર
દર્પણ યાદવની યાદીમાં જણાવાયું હતું.