માંડવી, તા. 24 : અફવાઓની ગરમાશમાં આ શહેરમાં
કલ્પનાતીત ગેસ બુકિંગનો ધસારો અને લાંબી લાઇનોનાં દૃશ્યો સર્જાયાં છે. સામાન્યત: 500-600ના બુકિંગ સામે આંકડો બે હજારને
પાર કરી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ચિંતાનું કોઇ કારણ નથી એવી સ્પષ્ટતા તંત્રે
કરી હતી. વડાપ્રધાન મોદીએ આંકડાઓ છતા કરીને પેટ્રોલ,
ઓઇલ, રાંધણગેસનો સંગ્રહિત જથ્થો જાહેર કર્યા છતાં
નકારાત્મક તત્ત્વોએ સોશિયલ માધ્યમો મારફતે ગ્રાહકો-ઉપભોક્તાઓ-જનમાનસને ભયભીત કરવાના
કૂકર્મો જારી રાખતાં પન્નો મોટો કરવાની નોબત આવી છે. અત્રે રાંધણગેસની વિતરણ વ્યવસ્થા
સંભાળતા દીપભાઇ થાનકીએ પરિસ્થિતિ ઉપર પ્રકાશ પાડતાં `કચ્છમિત્ર'ને આપેલી માહિતી મુજબ સામાન્ય રીતે 500થી 600નું ગેસ બુકિંગ ઉપભોક્તાઓ દ્વારા
રહે છે, તેની સામે ગ્રાહકોમાં ભય પ્રસરતાં `પેનિક બુકિંગ' વધીને બે હજારનો આંકડો ઓળંગી ગયું છે. રાબેતા
મુજબનો સપ્લાય ખોરવાયો નથી, પરંતુ કાલ્પનિક ભયને પરિણામે વધેલી
માંગને લીધે વિતરણ સમસ્યાનાં દૃશ્યો જોવાયાં છે. હજુ પણ ઉપભોક્તા ઓનલાઇન બુકિંગ અંતે
એકાદ મહિને કે 35-40 દિવસે સિલિન્ડર
મેળવી શકે છે. પુરવઠા વિભાગમાંથી નઠારી મનોવૃત્તિનો ભોગ નહીં બનવા અને ઉપજાઉ ભયનો ભોગ
નહીં બનવા સલાહ આપવામાં આવી છે.