• બુધવાર, 25 માર્ચ, 2026

ખોમેની પણ ટ્રમ્પ સાથે મંત્રણા માટે તૈયાર ?

નવી દિલ્હી, તા. 24 : ઈરાન સાથે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે એક તરફ કૂટનીતિક વાતચીત દ્વારા સમાધાનના પ્રયાસો ચાલુ થયા છે તો બીજી તરફ એકબીજા પર હુમલાઓ પણ ચાલુ રહ્યા છે. ઈરાનના સર્વોચ્ય નેતા મુજતબા ખોમેની અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર થયાનો દાવો કરાયો છે. ઈરાની વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકી દૂત સ્ટીવ વિટકોફને ગુપ્ત રીતે જણાવ્યું હતું કે, ખોમેનીએ ગુપ્ત વાતચીતની મંજૂરી આપી છે. અહેવાલો અનુસાર આ વાતચીત ગુપ્ત રીતે ચાલી રહી છે, જેના વિશે ઈરાનના ટોચના નેતૃત્વમાં પણ માત્ર થોડા લોકોને જ જાણ છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ ગુપ્ત રીતે અમેરિકાના દૂત સ્ટીવ વિટકોફને જણાવ્યું છે કે, સર્વોચ્ચ નેતા મુજતબા ખોમેનીએ સંભવિત સમજૂતી સુધી પહોંચવા માટે વાતચીતને મંજૂરી આપી છે. જો કે, ઈરાન સત્તાવાર રીતે અમેરિકા સાથે કોઈપણ વાતચીતથી ઇન્કાર કરી રહ્યું છે. મુજતબા ખોમેની ઈરાનની શરતોને આધીન યુદ્ધને વહેલી તકે સમાપ્ત કરવા માટે સંમત થયા છે. દરમિયાન આજે ટ્રમ્પે દાવો કર્યો હતો કે, કોઈ વ્યાપક સમાધાન ઉપર આવી શકાય તેમ છે કે નહીં તેની ચર્ચા ચાલી રહી છે. ઈરાન પણ હવે આમાં શાંતિનો કોઈ રસ્તો ઈચ્છે છે. જો કે, તેહરાન તરફથી આવી કોઈ જ શાંતિ વાટાઘાટ ચાલતી હોવાનું આજે ફરીથી નકારી કાઢવામાં આવ્યું હતું અને ઈરાનની સંસદનાં સ્પીકરે તો આને ફેક ન્યૂઝ  ગણાવી દીધા હતા. દરમ્યાન, ઈરાને દાવો કર્યો હતો કે, તેણે ઈઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ અને હાઈફા વિસ્તારમાં ડ્રોન હુમલા કર્યા હતા. બીજી તરફ દુનિયાની નજર વ્યૂહાત્મક રીતે બેહદ મહત્ત્વના સમુદ્રી માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ પર ટકેલી છે. અનેક દેશોએ આ માર્ગે પસાર થતાં વ્યાપારિક જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. ઈઝરાયલને આજે બેવડા ઝાટકા લાગ્યા છે. એક તરફ ઈરાને ઈઝરાયલની રાજધાની તેલ અવીવ પર અનેક મિસાઈલ છોડી હતી તો બીજી તરફ લેબેનોનમાં આઈડીએફ પર હિઝબુલ્લાહે રોકેટ હુમલો કર્યો હતો. હિઝબુલ્લાહે દાવો કર્યો હતો કે, તેણે દક્ષિણી લેબેનોનમાં ઈઝરાયેલી સૈનિકોની ટુકડીને નિશાન બનાવી હતી. યુદ્ધના દોર વચ્ચે સમાધાનના પ્રયાસોમાં પણ વેગ આવ્યો છે. ત્રણ વરિષ્ઠ ઈઝરાયલી અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટ્રમ્પે ઈરાન સાથે સમજૂતીના પ્રયાસમાં ઝડપ લાવી છે. જો કે, અધિકારીઓએ એમ પણ કહ્યું કે, ઈરાન અમેરિકાની માંગો પર સંમત થાય તેવી સંભાવના ઓછી છે. ઈરાનના સર્વોચ્ય નેતા મુજતબા ખોમેની અને રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને દેશના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના નવા વડા તરીકે મહમૂદ બાગેરની નિયુક્તિને મંજૂરી આપી હતી. ઈરાન સાથે ભારે તણાવ વચ્ચે લેબેનોને ઈરાનના રાજદૂતને `પર્સોના નોન ગ્રાટા' જાહેર કરીને રવિવાર સુધીમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. 

Panchang

dd