મુંદરા, તા. 24 : કચ્છના મુંદરા તા.ના ટુંડામાં
અદાણી ફાઉન્ડેશને એક ઐતિહાસિક પર્યાવરણલક્ષી પહેલ કરતાં ગામના નદીકાંઠે 10,000 વૃક્ષ વાવીને `અદાણી વન'નું નિર્માણ કર્યું છે. આ પ્રોજેક્ટ અદાણી ફાઉન્ડેશન
અને મુંદરા પેટ્રોકેમના સહયોગથી મિયાવાકી પદ્ધતિ અપનાવીને અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ પ્રસંગે અદાણી પોર્ટસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહે જણાવ્યું હતું કે,
`ટુંડામાં આ વનની શરૂઆત અમારા માટે ગૌરવની
ક્ષણ છે. ગ્રામજનોના સહયોગથી આવાં વૃક્ષમંદિરો ઊભા કરવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.
આ જંગલ ટુંડાની શોભામાં વધારો કરશે અને પર્યાવરણ તથા જૈવવિવિધતાનાં સંરક્ષણમાં મહત્ત્વપૂર્ણ
ફાળો આપશે.' માત્ર વૃક્ષારોપણ નહીં,
પરંતુ પર્યાવરણ સંરક્ષણ, સામાજિક એકતા અને સ્થાનિક
વિકાસના ત્રિવેણી સંગમનાં જીવંત ઉદાહરણ સમય આ પ્રોજેક્ટના આરંભ કાર્યક્રમમાં ફાઉન્ડેશનની
ટીમ સાથે ગ્રામ પંચાયતની સમિતિના સભ્યો, ટુંડા મહિલા મંડળ,
ટુંડા ક્રિકેટ યુવાન ગ્રુપ તથા સ્થાનિક ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ
લીધો હતો. નદીકાંઠે જમીન સફાઇ બાદ આ વિસ્તારમાં 37થી વધુ પ્રકારની પ્રાદેશિક વનસ્પતિઓનું
વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં વૃક્ષો,
વેલીઓ, ફળ-ઝાડો, ફૂલોના છોડ
તેમજ આયુર્વેદિક વનસ્પતિઓનો સમાવેશ છે. ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ, વૈજ્ઞાનિક ખેડ અને આગામી બે વર્ષ સુધી સંભાળનાં કારણે વૃક્ષોનો ઝડપી અને સ્વસ્થ
વિકાસ સુનિશ્ચિત થશે. અદાણી ફાઉન્ડેશન તરફથી મુંદરા અને આસપાસના વિસ્તારોને હરિયાળા
બનાવવા માટે પ્રયાસો ચાલુ છે. આ પહેલ માત્ર ટુંડા ગામની કાયાપલટ જ નહીં, પરંતુ તેને પર્યાવરણપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે એક અનોખું આકર્ષણનું કેન્દ્ર
પણ બનાવશે. આવા પ્રોજેક્ટ્સ કચ્છની રેતીલી ભૂમિને લીલીછમ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા
ભજવી રહ્યા છે.