• બુધવાર, 25 માર્ચ, 2026

ગળપાદરના વર્ધમાનનગરના 350 ઘરને માળખાંગત સુવિધાઓ આપો

ગાંધીધામ, તા. 24 : ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ગળપાદરના વર્ધમાનનગરના 350 ઘર માળખાંગત સુવિધાઓથી વંચિત છે. તત્કાલીન સમયની ગ્રામ પંચાયત દ્વારા લોકોને સુવિધાઓ આપવામાં આવી નથી અને હવે આ વિસ્તાર મહાનગરમાં સમાવેશ થયો છે, તેનો એક વર્ષથી વધુનો સમય વીતી ગયો છે. મૂળભૂત સુવિધાઓ ન મળતાં લોકો મહાનગરપાલિકા કચેરીએ આવી નાયબ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પોતાને કન્નડતી સમસ્યાઓની રજૂઆત કરી હતી. લોકોએ પાયાની સુવિધાઓ આપવા માંગ કરી હતી, ઉનાળાનો સમય છે, પીવાનું પાણી મળતું નથી, ગટરની સમસ્યા વિકટ છે, સ્ટ્રીટલાઈટોનો અભાવ છે, આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને સારા માર્ગો નથી, તેના કારણે લોકોને હેરાન થવું પડતું હોવાનું જણાવાયું હતુ. વર્ધમાનનગરના મુખ્ય રોડ ઉપર ખોદકામ કરવામાં આવ્યું છે, લગભગ એક મહિનાનો સમય વીતી ગયો છે તેમ છતાં હજુ સુધી કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી, જેથી અહીં વસવાટ કરતા પરિવારજનોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઝડપથી રોડનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી પણ લોકોએ નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજને રજૂઆત કરી હતી. અગાઉ કોન્ટ્રાક્ટર દ્વારા ગળપાદરમાં માર્ગનું ખોદકામ કરીને રાખી દેવામાં આવ્યું હતું અને ગટરની લાઈન પણ તોડી નાખવામાં આવી હતી, હવે રોડ ખોદીને રાખી દેવાતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો અને હાલની સ્થિતિએ પણ આવું જ છે. ગળપાદરમાં તે કોન્ટ્રાક્ટરને લગભગ પાંચ રોડ બનાવવાનું કામ અપાયું છે, અહીં કામગીરીમાં ગુણવત્તા ઉપર પણ સવાલો છે. મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણી આ બાબતે સમીક્ષા કરે તેવી માંગ પણ લોકોએ કરી છે. ગાંધીધામમાં પણ હાલના સમયે જે કામ થઈ રહ્યાં છે, તે પણ સમીક્ષા માંગી રહ્યા છે તેવું લોકો કહી રહ્યા છે. 

Panchang

dd