ખાડી દેશોમાં ચાલતા સમરાંગણે દુનિયાભરને સંખ્યાબંધ
બોધપાઠ આપવા શરૂ કર્યા છે. લગભગ તમામ દેશોને ક્રૂડ તેલના ભાવો અને અછતની અસર પડી રહી
છે. ભારત પણ આમાંથી બકાત નથી. ભારત તેના રાંધણગેસના લગભગ 33 કરોડ વપરાશકારોને એલપીજીની જરૂરત પૂરી કરવા આકાશ-પાતાળ
એક કરી રહ્યું છે. એલપીજીની અછતને લીધે દેશમાં જ્યારે ચોતરફ ચિંતા જાગી રહી છે ત્યારે
આ કટોકટીએ ભારતને એલપીજીનો વિકલ્પ ઊભો કરવાના લાંબાગાળાનાં પગલાં લેવાની અનિવાર્યતા
સામે આણી છે. ખાડી દેશોની અશાંતિ જેમ-જેમ લંબાતી જાય છે તેમ-તેમ ભારત સામે એલપીજીની
કટોકટી વધુ ને વધુ ઘેરી બની રહી છે. સરકાર પણ હાલત ચિંતાજનક હોવાનું સ્વીકારી રહી છે.
સરકાર આ માટે ભારે પ્રયાસ કરે છે, પણ આ જરૂરત પૂરી કરવા માટેના વિકલ્પો
બહુ મર્યાદિત રહ્યા છે. આપણા દેશમાં એલપીજીના 33 કરોડ જોડાણો છે. તેની માટે ગેસનો 60 ટકા જથ્થો આયાત કરવો પડી રહ્યો છે. આ આયાતનો 90 ટકા હિસ્સો હોર્મુઝ સમુદ્રધુનિ વાટેથી ભારત પહોંચતો
રહ્યો છે. ખાડી દેશોની સ્થિતિને લીધે આ દરિયાઈ માર્ગ સાવ બંધ હોવાથી ઓલપીજીની ભારે
અછત ઊભી થઈ છે. આવા સંજોગોમાં ભારતે પોતાની ઈંધણની જરૂરત અને બીજા પરની નિર્ભરતા અંગે
ફેરવિચાર કરવાની તાતી જરૂરત વર્તાવા લાગી છે. એલપીજીની અછતને લીધે સરકારે કોમર્શિયલ
બોટલોમાં કાપ મૂક્યો છે. આને લીધે નાના-મોટા રેસ્ટોરન્ટ અને ખાવાપીવાની દુકાનો બંધ
થઈ ગયા છે. આ સંજોગોમાં સંખ્યાબંધ લોકોની રોજગારી પર અસર પડી રહી છે. સરકારે એલપીજીની
સંગ્રહખોરીને રોકવા એસ્મા લગાવ્યો હોવા છતાં દેશભરમાં કાળાબજાર યથાવત્ હોવાના અહેવાલો
પણ સામે આવતા રહ્યા છે. સરકારે હવે પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી)ને પ્રોત્સાહિત કરવાનાં
પગલાં લેવા શરૂ કર્યાં છે. ભારત તેના કુદરતી જરૂરતનો પ0 ટકા હિસ્સો ઘરઆંગણે તૈયાર કરી શકે છે. વળી આ પ્રકારના કુદરતી ગેસની દુનિયામાં અલગ-અલગ
માર્ગોથી આયાત પણ થઈ શકે છે. પેટ્રોલિયમ મંત્રાલયે રાજ્યોને પીએનજીનો ઉપયોગ વધારવા
ખાસ યોજના પણ આપી છે. જે રાજ્ય તેને ત્યાં પીએનજીનાં ચલણને વધારવામાં મદદ કરશે તેને
એલપીજીનો દસ ટકા વધુ હિસ્સો ફાળવવામાં આવશે. આ માટે નાના શહેરોમાં પીએનજીનાં માળખાંને
મજબૂત કરવાની જરૂરત રહેશે અને જોડાણ આપવામાં ઝડપ કરવી પડશે. ખાડી દેશોની હાલત ક્યારે
શાંત અને સ્થિર થશે એ કોઈ કહી શકે તેમ નથી. તેવામાં ક્રૂડ તેલની સાથોસાથ ગેસના પુરવઠા
સામેના સવાલો વધુ ગંભીર થઈ શકે છે. ભારતે તેની ઘરઆંગણાની જરૂરત માટે પીએનજીનાં ચલણને
વધારવાની સાથોસાથ અન્ય દેશો પાસેથી આયાતના વિકલ્પ તાકીદે તૈયાર કરવાની ખાસ જરૂરત છે.
સરકારથી માંડીને સામાન્ય નાગરિક સુધી સૌનાં બજેટ ખોરવી નાખે એવી સ્થિતિનો ઉકેલ હવે
વિના વિલંબે શોધવો જોઈએ.