ગાંધીધામ, તા. 24 : કંડલા નજીક નકટીપુલથી હનુમાન
મંદિર વચ્ચે બાઇક સ્લીપ થતાં કંડલાના અસરફ સલીમ પીંજારા (ઉ.વ. 20) નામના યુવાને જીવ ખોયો હતો.
બીજી બાજુ ભચાઉના તોરણિયા ગામમાં હિતેશ ખેતા ભમ્મર (કોળી) (ઉ.વ. 22) નામના યુવાને ફાંસો ખાઇ જીવન
ટૂંકાવી લીધું હતું. કંડલા રેલવે ઝૂંપડા રામાપીર
મંદિર પાસે રહેનાર અસરફ પીંજારા નામનો યુવાન ગત તા. 23/3ના તુણા ગામે મેળામાં ગયો હતો.
મેળામાં ફર્યા બાદ તે મોડી રાત્રે બાઇક નંબર જીજે-39 -3379 લઇને પરત કંડલા આવી રહ્યો હતો, તે નકટીપુલથી હનુમાન મંદિર વચ્ચેના માર્ગ ઉપર
હતો. દરમ્યાન કોઇ કારણોસર તેણે હેન્ડલ પરથી કાબૂ ગુમાવતાં તેનું બાઇક સ્લીપ થયું હતું,
જેમાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. આ યુવાનને સારવાર અર્થે
રામબાગ હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે
તેના પિતા સલીમ જુસબ પીંજારાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ એક મોતનો બનાવ તોરણિયા
ગામમાં બન્યો હતો. હિતેશ ભમ્મર નામનો યુવાન થોડાક સમયથી અંજાર હતો, પરંતુ તોરણિયા ખાતે તેના ઘરે માતાજીનો પ્રસંગ હોવાથી તે ત્યાં આવ્યો હતો. આપઘાત
પહેલાં તેણે વીડિયો બનાવી બધાને મારા રામ-રામ હવે હું જાઉં છું, વગેરે બોલ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેણે ઘરના પાઇપમાં કપડું બાંધી
ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ચાર-પાંચ વર્ષ અગાઉ તેના મોટા ભાઇનું
પણ મૃત્યુ થયું હતું. બનાવની આગળની વધુ તપાસ સામખિયાળી પોલીસે હાથ ધરી છે.