માધાપર, તા. 24 : હૃદયમાં સ્થાપિત ભગવાનને જગાડવાનું
કામ કરે એ સાચો ગુરુ છે. જો શિષ્યને સાચા ગુરુનો સંગાથ મળે તો તેનું જીવન ધન્ય બની
જાય છે એવું માધાપર ખાતે માનસ મુકુરાષ્ટક કથાના ચોથા દિવસે કથાકાર પૂ. મોરારિબાપુએ
જણાવી ગુરુનો મહિમા વર્ણવ્યો હતો. મોરારિબાપુએ કહ્યું કે, જો સાચા ગુરુની ચરણરજ મળી જાય તો શિષ્ય ભવસાગર
પાર કરી જાય છે. પૂ. બાપુએ ચોથા દિવસની કથાનો પ્રારંભ હનુમાન ચાલીસાના પાઠથી કર્યો હતો. મોરારિબાપુએ નદીઓના
પ્રવાહમાં ઇશ્વર તત્ત્વ સમાયેલું છે એમ કહી યમુનાષ્ટકનો પાઠ મનને આવૃત્ત કરવાનું કામ
કરે છે. અયોધ્યાનગરીની સમૃદ્ધિ પર પ્રકાશ પાડતાં પૂ. બાપુએ માનસ દર્પણનું મહાત્મ્ય
શ્રોતાઓ સમક્ષ વર્ણવ્યું હતું. ગુરુનો મહિમા વર્ણવતાં પૂજ્ય બાપુએ પોતાની લાક્ષણિક
અદામાં કહી નાનક, કબીર, મીરાંના દૃષ્ટાંત
આપ્યા હતા. સાચા ગુરુની ચરણરજની પ્રાપ્તિ કેવી રીતે કરવી તેની સદૃષ્ટાંત સમજ આપી જે
વ્યક્તિનું જીવન ગુરુમય હોય તેને જીવનમાં કદી કોઇ આધિ-વ્યાધિ અને ઉપાધિ નડતી નથી. સંગીતમય
શૈલીમાં કથાનું રસપાન કરાવતાં મોરારિબાપુએ કથાના મનોરથી ધીરેશ દબાસિયા પરિવારે માતૃભૂમિમાં
કરેલા આ કથા સંકલ્પને બિરદાવતાં કહ્યું હતું કે, તેમના આ મનોરથ
થકી કથાશ્રવણ કરવા આવનાર લોકોને પુણ્યનું ભાથું બાંધવાનો મોકો મળ્યો છે. સૂર્યપુત્રી
યમુનાજીના પ્રાગટય દિવસે યમનાષ્ટક ગાઇને કથાનો પ્રારંભ કરાવતાં મોરારિબાપુએ જણાવ્યું
કે, મન તો સર્વના જુદા હોય છે, પણ સંત તો
એક જ હોય છે. પ્રભુ શ્રીરામ દરિયો છે અને સાધુ-સંતો એનાં વાદળો છે. અખિલ રૂપમાં ગુરુને
સેવ્યો હોય તેને સાધુ મળે છે તેમ જણાવી મોરારિબાપુએ પોતાનો ભાવ પ્રગટ કરતાં કહ્યું
કે, જેને બધી જ ઇન્દ્રીયોને જાણી લીધી એનું નામ ગોવિંદ છે. પૂજ્ય બાપુએ રોજિંદી ક્રિયામાં જેને
પાપ કહ્યા છે તેની સવિસ્તર સમજ આપી જો તમને પાપ કર્મનાં બંધનમાંથી મુક્તિ મેળવવી હોય
તો રામકથાનું અચૂકથી શ્રવણ કરવું જોઇએ.ચોથા દિવસની કથામાં મહામંડલેશ્વર શિવરાજ સાહેબ,
પીનાકી મેઘાણી, અભેસિંહ રાઠોડ, દિગુભા ચૂડાસમા, જિ.પંચાયતના પૂર્વ પ્રમુખ પારૂલબેન કારા,
નવચેતન અંધજન મંડળના જીણાભાઇ દબાસિયા, કવિ આલ સહિત
ઉપસ્થિત રહ્યા હતા. કથાના મનોરથી ધીરેશ મનજી દબાસિયા પરિવારે વ્યાસપીઠની આરતી ઉતારી
ધન્યતા અનુભવી હતી. પ્રવીણભાઇ તન્ના, યોગેશભાઇ ગજ્જર,
ભાવેશભાઇ ઠક્કર, લક્ષ્મણસિંહ વાઘેલા, હિતેશ સોની, નાનુભાઇ, વી. કે. પટેલ,
સુરેશ પરમાર રામકથાને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. - મહાપ્રસાદમાં
સ્વયંસેવકોની નિ:સ્વાર્થ ભાવે સેવા : કથા શ્રવણ કરવા આવતા ભાવિકો માટે મહાપ્રસાદની
વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પટેલ જ્ઞાતિ મહિલા મંડળની 100 બહેનો હંસાબેન હરશિયાણીનાં
માર્ગદર્શનમાં પીરસવાની સેવા આપી રહ્યાં છે. ઔદિચ્ય બ્રહ્મસમાજ માધાપર, સમર્પણ મહિલા મંડળ, ગઢવી
સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, જય સિયારામ ગ્રુપ, સોની સમાજ માધાપર, મલવાડી મિત્ર મંડળનો સહયોગ મળી રહ્યો
છે.