નવી દિલ્હી, તા. 24 : અખાતનાં દેશોમાં તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિકોનિક વાતચીત કરી છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર ચર્ચા કરી હતી. બંને નેતાઓ વચ્ચે થયેલી આ ચર્ચામાં મધ્ય પૂર્વની હાલની સ્થિતિ પર વિગતવાર વિચારવિમર્શ થયો અને તેમાં હોર્મુઝે જળ માર્ગ ખુલ્લો અને સુરક્ષિત રાખવાની આવશ્યકતા પર પણ ભાર મૂકાયો હતો. રાજદૂત ગોરે આ વાતચીતને બંને દેશો વચ્ચેની મજબૂત મિત્રતાનું પ્રતીક ગણાવી હતી ઉલ્લેખનિય છે કે, ટ્રમ્પે મોદીને ફોન લગાવ્યો હતો. ટ્રમ્પ સાથેની વાતચીત બાદ પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આની જાણકારી આપતાં લખ્યું હતું કે, ભારત પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવા અને શક્ય તેટલી વહેલી તકે શાંતિ સ્થાપિત કરવાનાં પક્ષમાં છે. ચર્ચા દરમિયાન હોર્મુઝ માર્ગ ખુલ્લો અને સલામત જરૂરિયાત પર ભાર મૂકાયો કારણ કે તે સમગ્ર વિશ્વ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ દરમિયાન બંને નેતાઓએ શાંતિ અને સ્થિરતા માટે ચાલી રહેલા પ્રયાસો અંગે સતત સંપર્કમાં રહેવા પર સહમતિ વ્યક્ત કરી હતી. મોદીએ કહ્યું હતું કે ભારત વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટેના દરેક પ્રયાસમાં સકારાત્મક ભૂમિકા ભજવવા તૈયાર છે. બંને નેતાઓની આ વાતચીત એ દિવસે થઈ જ્યારે એક દિવસ પહેલા જ અમેરિકાના રાષ્ટ્રપતિએ મધ્ય પૂર્વમાં વેરભાવનાં સંપૂર્ણ અને વ્યાપક ઉકેલ માટે ખુબ જ સારી અને રચનાત્મક વાટાઘાટો ઈરાન સાથે ચાલતી હોવાનો દાવો કર્યો હતો.