અમદાવાદ, તા. 24 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના
સંસદીય ઇતિહાસમાં આજે એક મહત્ત્વનું પ્રકરણ ઉમેરાયું છે. ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટસત્રમાં
આજે સમાન નાગરિક સંહિતા (યુસીસી) વિધેયક સાડા
સાત કલાકની લાંબી ચર્ચા બાદ મંજૂર થઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે `ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026' વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ
કર્યું હતું. વિધાનસભામાં યુસીસી વિધેયક રજૂ કરનાર ગુજરાત બીજું રાજ્ય બન્યું છે. ઉત્તરાખંડ
પછી હવે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. કુલ ચાર ભાગમાં યુસીસી બિલ તૈયાર
કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના વિઝન મુજબ યુસીસી લાગુ કરનારું દેશનું બીજું રાજ્ય
ગુજરાત બનશે. બિલ રજૂ થતાં જ સત્તાપક્ષના સભ્યોએ તેનું સ્વાગત કર્યું, જ્યારે વિપક્ષે કેટલીક માગણીઓ ન સ્વીકારાતાં
વિરોધ નોંધાવ્યો અને અંતે વોકઆઉટ પણ કર્યું હતું. હવે આ બિલ રાજ્યપાલ અને ત્યારબાદ
રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ જ આ કાયદો રાજ્યમાં અમલમાં
આવશે. આ સાથે ગુજરાત, ઉત્તરાખંડ પછી યુસીસી અમલમાં લાવનાર દેશનું
બીજું રાજ્ય બનશે. યુસીસી બિલ રજૂ થવાના સમયે
પ્રેક્ષક ગેલેરીમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત,
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રાસિંહ ચુડાસમા અને પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા પણ આ કામગીરીના સાક્ષી બન્યા હતા. આ બિલ પર આજે ગૃહમાં
વિસ્તૃત ચર્ચા થઈ હતી, જેમાં કોંગ્રેસે ચૂંટણી આવતાં બિલ ઉતાવળેથી
લાવવામાં આવ્યું હોવાનો આરોપ મુક્યો હતો. યુસીસી બિલમાં લગ્ન, વારસાગત તેમજ અન્ય મુદ્દાઓ માટે સમાન નિયમો લાગુ થવાની જોગવાઇ છે. યુસીસી કોઈ
એક ધર્મ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે સમાન ન્યાય આપતું કાયદારૂપ
હોવાનું સરકારે જણાવ્યું હતું. બિલ રજૂ થતાં ગૃહમાં જય શ્રી રામના નારા ગુંજ્યા હતા.
મહત્ત્વનું છે કે, 18 માર્ચના કેબિનેટમાં
યુસીસી બિલના ડ્રાફ્ટમાં કાયદાઓને પારદર્શક
બનાવવા માટે મહત્ત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. હવે રાજ્યમાં થતાં દરેક લગ્નની નોંધણી
કરાવવી ફરજિયાત કરાવવીની રહેશે તેમજ જે લગ્ન નોંધણી ન હોય તો લગ્ન અમાન્ય ગણાશે તેમજ
નોંધણી ન કરાવનારને રૂા. 10-25 હજારનો દંડ
પણ ભરવો પડી શકે છે. યુસીસીના અમલ પહેલાં લગ્ન માટેની નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી
કરવામાં આવી છે. વિધાનસભામાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, `ગુજરાત માટે
આજની ક્ષણ ઐતિહાસિક છે અને દરેક ભારતીય માટે ગૌરવનો સમય છે.' તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના
વખાણ કરતાં કહ્યું કે, વડાપ્રધાન મોદીએ એક પણ દિવસ રજા પાડયા
વગર દીર્ઘકાલીન શાસન કરીને દેશને નવી ઊંચાઈએ પહોંચાડયો છે. આઝાદી બાદ રજવાડાઓ એક થયા, પણ કાયદાઓ અલગ હતા. આજે ગુજરાતમાં યુસીસી રજૂ કરીને આપણે સનાતન સંસ્કૃતિના
સમાનતાના ભાવને ખરા અર્થમાં અમલી બનાવી રહ્યા છીએ.' તેમણે ઉમેર્યું
હતું કે, એકથી વધુ લગ્ન કરવાના કેસમાં સાત વર્ષ સુધીની જોગવાઇ
કરાઈ છે. સગીરા સાથે લીવ ઈન રિલેશનશિપ હોય તો પોસ્કોનો ગુનો પણ નોંધાશે. ઓળખાણ છુપાવીને
લગ્ન કરવા કે છેતરાપિંડી કરનારને હવે ગુજરાતમાં સ્થાન નથી. કોર્ટ દ્વારા છૂટછાટ નોંધણી
ફરજિયાત કરવામાં આવશે. કોર્ટ બહાર છૂટાછેડા અમાન્ય છે. કોર્ટ બહાર છૂટાછેડામાં ત્રણ
વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. લીવ ઈનમાં પણ નોંધણી ફરજિયાત છે. લીવ ઈનમાં સગીરા સાથે
હશે, તો પોસ્કોનો કેસ થશે. - યુસીસી બિલની મુખ્ય વિશેષતાઓ
: આ બિલ કુલ ચાર ભાગમાં તૈયાર કરવામાં આવ્યું
છે, જેનો મુખ્ય ઉદ્દેશ ધર્મ કે વ્યક્તિ વિશેષના
ભેદભાવ વગર તમામ નાગરિકો માટે સમાન કાયદો બનાવવાનો છે, જેમાં
1. સમાન માળખાંમાં લગ્ન, છૂટાછેડા અને વારસા હક્ક માટે હવે એક જ કાયદો
લાગુ પડશે. 2. લગ્ન નોંધણી
: લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનશે. જો નોંધણી નહીં કરાય તો દંડની જોગવાઈ છે. 3. લીવ-ઈન રિલેશનશિપ : લીવ-ઈન
પાર્ટનરશિપનું પણ રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય રહેશે. 4. વારસા હક્ક : દીકરા અને દીકરી
બંનેને વારસામાં સમાન હક્ક આપવામાં આવશે. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ
બિલ મુદ્દે જણાવ્યું કે, 45 દિવસની જગ્યાએ 1 વર્ષે રિપોર્ટ આવ્યો અને સમિતિમાં લોકોનું
પ્રતિનિધિત્વ પણ ન રાખવામાં આવ્યું અને સરકાર ઉપર એવું તે શું થયું કે, 17મીએ રિપોર્ટ
આવ્યો અને 24મીએ સરકારે વિધાનસભામાં બિલ લાવ્યા. તેમણે
કહ્યું, ચૂંટણીઓ છે એટલે સરકાર બિલ ઉતાવળે લઈને આવી
છે. અમિત ચાવડાએ આક્ષેપ કર્યા કે, રિપોર્ટ આપવામાં આવ્યો નથી,
ધારાસભ્યોને અભ્યાસ માટે પણ ન આપ્યો અને ઉતાવળે બિલ લાવવામાં આવ્યું
છે. અનામત માટેના ઝેવરી કમિશનનો રિપોર્ટ હતો એ રિપોર્ટ હજુ જાહેર કરવામાં આવ્યો નથી
અને યુસીસીનો રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ આ સરકાર
બિલ લાવવાની વાત આવે ત્યારે રાજકીય એજન્ડા માટે વાત કરે છે.